અમદાવાદ, તા.૧૦
ભાદરવામાં શરૂ થયેલી આકરી ગરમી આસો મહિનાના આરંભે પણ પોતાનું જોર બતાવાનું યથાવત્‌ રાખતા બુધવારના રોજ રાજ્યના ૧૦ કરતાં વધુ સ્થળોએ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીથી ઉપર જોવા મળ્યો હતો. જેના કારણે લોકોએ અકળાવી મૂકનાર ગરમીનો સામનો કર્યો હતો ત્યારે હજુ પણ પાછોતરો વરસાદ આવે તેવી શક્યતાને લોકો જોઈ રહ્યા છે. રાજ્યમાં ભાદરવો વરસાદમાં નહીં પણ ગરમીમાં ભરપૂર રહેતા ગરમીનો પારો ૪ર ડિગ્રીની નજીક પહોંચી ગયો હતો ત્યારે ભાદરવો પૂરો થઈને આસો મહિનાની શરૂઆત થઈ હોવા છતાં ગરમી ઘટવાનું નામ લેતી નથી, જેને લીધે લોકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે. આ ગરમીના કારણે બીમારીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં કંડલા પોર્ટ પર ૪૦.૪ ડિગ્રી જેટલું ઊંચુું તાપમાન જોવા મળ્યું હતું, જ્યારે અન્ય સ્થળોની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ૪૦.૩, ભૂજમાં ૩૯.૪, રાજકોટમાં ૩૮.૯, કંડલા એરપોર્ટમાં ૩૮.૮, અમરેલીમાં ૩૮.૭, ડીસામાં ૩૮.૬, ભાવનગરમાં ૩૮.૪, અમદાવાદમાં ૩૮.૧, ઈડરમાં ૩૭.૭, સુરતમાં ૩૭.૪ અને વડોદરામાં મહત્તમ તાપમાન ૩૭.ર ડિગ્રી જેટલું ઊંચું રહ્યું હતું. આમ, આ વર્ષે ચોમાસુ તો દેખાયું જ નહીં અને વળી અધિક માસ એટલે લોકોએ સૌથી લાંબા ઉનાળાના અનુભવ કર્યો હોય તેવી અનુભૂતિ કરી હતી. આને ઋતુચક્રના પરિવર્તન સાથે સાંકળીને પણ કેટલાક જાણકારો જોઈ રહ્યા છે. જો કે, હાલ તો ગરમી ઘટે તેવી આશા લોકો સેવી રહ્યા છે.

ક્યાં કેટલું તાપમાન ?
સ્થળ મહત્તમ તાપમાન
કંડલા પોર્ટ ૪૦.૪
સુરેન્દ્રનગર ૪૦.૩
ભૂજ ૩૯.૪
રાજકોટ ૩૮.૯
કંડલા એરપોર્ટ ૩૮.૮
અમરેલી ૩૮.૭
ડીસા ૩૮.૬
ભાવનગર ૩૮.૪
અમદાવાદ ૩૮.૧
ઈડર ૩૭.૭
સુરત ૩૭.૪
વડોદરા ૩૭.૨