અમદાવાદ, તા.ર૧
રાજ્યભરમાં લોકો આકરા ઉનાળાનો અનુભવ કરી રહ્યા છે. ગરમીએ માઝા મૂકી છે. આકાશમાંથી અગનગોળા વાસી રહ્યા છે. લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે. બપોરના ૧ર વાગ્યાથી જ કાળઝાળ ગરમી શરૂ થઈ જતાં બજારો અને રોડ રસ્તાઓ સૂમસામ ભાસવા લાગે છે. એકલ-દોકલ લોકો જ દેખાય છે. આજે ગરમીએ જબરદસ્ત દેકારો બોલાવ્યો હતો. ૪પ.૩ ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર લોકોએ ભઠ્ઠીમાં શેકાયાનો અનુભવ કર્યો હતો. જ્યારે અનેક સ્થળોએ તાપમાનનો પારો ૪૩ ડિગ્રીની નજીક રહેવા પામ્યો હતો. “યલો ઓરેન્જ એલર્ટ તરફથી ‘રેડ એલર્ટ’ તરફ જઈ રહેલી ગરમીએ અનેક લોકોને બિમાર કર્યા છે. ગરમીને કારણે લૂ લાગવાના બનાવોમાં મોટાપાયે વધારો થયો છે. આજે રાજ્યમાં ૪પ.૩ ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં ૪૩.૪, ભૂજમાં ૪૩.ર, ગાંધીનગર અને ડીસામાં ૪૩, આણંદમાં ૪ર.૬, રાજકોટમાં ૪ર.પ, કંડલા અને અમરેલીમાં ૪ર.ર અને વડોદરામાં મહત્તમ તાપમાન ૪૧.૬ ડિગ્રી નોંધાયું હતું.
વધતી ગરમીને કારણે તબીબો સહિતના નિષ્ણાંતો વિશેષ તકેદારી રાખવાનું સૂચવી રહ્યા છે. વધુ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપી રહ્યા છે. જ્યારે બહારની ચીજવસ્તુઓ ખાવાનું ટાળવાની સલાહ આપી રહ્યા છે. જ્યારે આગામી દિવસોમાં પણ ગરમી વધવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

ક્યાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
સુરેન્દ્રનગર ૪પ.૩
અમદાવાદ ૪૩.૪
ભૂજ ૪૩.ર
ગાંધીનગર ૪૩.૦
ડીસા ૪૩.૦
આણંદ ૪ર.૬
રાજકોટ ૪ર.પ
કંડલા ૪.રર
અમરેલી ૪ર.ર
વડોદરા ૪૧.૬