અમદાવાદ, તા.૯
છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતના રાજ્યો અને રાજસ્થાનના વાતાવરણના પલટાની અસર ગણો કે ન ગણો પણ રાજ્યના વાતાવરણમાં સામાન્ય પલટો આવ્યો હતો અને કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ગરમીમાં આંશિક રાહત પણ જોવા મળી હતી જો કે આજે ફરી એકવાર મહત્તમ તાપમાનમાં વધારો થયો છે જેમાં રથી ૩ ડિગ્રી તાપમાન વધ્યું છે. જો કે હજુ પણ આ પારો વધશે ત્યારે આવનાર દિવસોમાં ૪૪થી ૪પ ડિગ્રી સુધી તાપમાનનો પારો ઉંચકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસું નજીક આવવાની શક્યતાઓને જોતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. ત્યારે ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ છે જ્યારે બપોરના સમયે તો કાળ-ઝાળ ગરમી પીછો છોડતી નથી. આજે અમરેલીમાં સૌથી વધુ ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે કંડલામાં ૪ર.૬, સુરેન્દ્રનગર ૪ર.૩, રાજકોટમાં ૪૧.પ, સુરતમાં ૪૧.ર, અમદાવાદ-ગાંધીનગર અને ઈડરમાં મહત્તમ તાપમાન ૪૧.૦ ડિગ્રી તેમજ વડોદરામાં ૪૦.૭, ભૂજમાં ૪૦.૬ આણંદમાં ૪૦.૩ અને ડીસામાં ૪૦.૧ ડિગ્રી નોંધાયું હતું જો કે આવનાર દિવસોમાં ફરી એકવાર કાળ-ઝાળ ગરમીનો કહેર વર્તાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની રાહ જોતા ખેડૂતો માટે રાહત આપતાં સમાચાર મળી રહ્યાં છે. રાજ્યમાં આ સિઝનમાં સારો વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ વર્ષે ગુજરાતમાં ૯૭ ટકા વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેકટર જયંતા સરકારે રાજ્ય કેબિનેટની બેઠકમાં પ્રેઝન્ટેશન સાથે આ માહિતી આપી હતી. ગાંધીનગરમાં બુધવારે કેબિનેટની બેઠક મળી હતી.