અમદાવાદ,તા. ૩
આણંદ નજીકની તારાપુર એપીએમસીની ચૂંટણી પાછી ઠેલવાના રાજય સરકારના સત્તાવાળાઓના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટે અયોગ્ય અને રદબાતલ ઠરાવ્યો હતો. હાઇકોર્ટે તારાપુર એપીએમસીની ચૂંટણી તા.૨૨મી ઓકટોબર સુધીમાં યોજવા સરકારને હુકમ કર્યો છે. હાઇકોર્ટની ખંડપીઠે સીંગલ જજના આ અંગેના હુકમને યથાવત રાખ્યો હતો. આણંદ જિલ્લાની તારાપુર એપીએમસીની ચૂંટણીની તારીખો પાછી ઠેલવાના રાજય સરકારના સત્તાવાળાઓના નિર્ણયને પડકારતી રિટ ગુજરાત હાઇકોર્ટમાં થઇ હતી. જેમાં સરકારે બચાવ કર્યો હતો કે, આણંદ જિલ્લામાં પૂરની સ્થિતિને કારણે ઉભા થયેલા સંજોગો જોતાં હાલની સ્થિતિએ ચૂંટણી યોજવી હિતાવહ કે ઉચિત નથી. જેથી અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, આણંદ જિલ્લો પૂરથી પ્રભાવિત જિલ્લો નથી. કાયદાકીય જોગવાઇઓ અને ચૂંટણી નિયમો જોતાં પણ આ પ્રકારે ચૂંટણી પ્રતિબંધિત કરવી યોગ્ય નથી. જેથી સીંગલ જજે તારાપુર એપીએમસીની ચૂંટણી તા.૨૨મી ઓકટોબર સુધીમાં યોજવા સરકારના સત્તાવાળાઓને હુકમ કર્યો હતો. સીંગલ જજના આ હુકમથી નારાજ સરકારપક્ષ દ્વારા હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ લેટર્સ પેટન્ટ અપીલ દાખલ કરવામાં આવી હતી અને સીંગલ જજના હુકમને રદબાતલ ઠરાવવા દાદ માંગવામાં આવી હતી. જો કે, હાઇકોર્ટની ખંડપીઠે પણ સરકારની દલીલો ગ્રાહ્ય રાખી ન હતી અને ચૂંટણી પાછી ઠેલવાના સરકારના નિર્ણયને અયોગ્ય ઠરાવ્યો હતો. હાઇકોર્ટની ખંડપીઠે તારાપુર એપીએમસીની ચૂંટણી તા.૨૨મી ઓકટોબર સુધીમાં યોજવાના સીંગલ જજના હુકમને યથાવત રાખ્યો હતો. હાઇકોર્ટના આ હુકમને પગલે હવે સરકારના સત્તાવાળાઓને તા.૨૨મી ઓકટોબર સુધીમાં તારાપુર એપીએમસીની ચૂંટણી યોજવી પડશે.