(એજન્સી) જયપુર, તા.રપ
રાજસ્થાનના ધોલપુર જિલ્લાના એક ગામમાં રહેતા એક ખેડૂતને પોતાના ખેતર પાસે તરછોડાયેલી એક નવજાત બાળકી મળી હતી. જન્મ આપતાની સાથે જ કોઈ આ નવજાત બાળકીને અહીં મૂકી ગયું હતું. ખેડૂત લીલાધર કુશવાહ અને તેમના પત્ની સુખીદેવીને સાત દીકરા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બાળકી મળ્યાના બે દિવસ પહેલાં જ લીલાધરના ઘરે પુત્રનો જન્મ થયો હતો. બાળકી મળ્યા બાદ ૩પ વર્ષીય કુશવાહે અધિકારીઓને બાળકીના પાલનપોષણ માટે સરકારી મદદની વિનંતી કરી. બાળક દત્તક લેવાની કાનૂની કાર્યવાહી કરતી સંસ્થા ચાઈલ્ડ વેલફેર કમિટીએ બાળકીને સોમવાર સુધીમાં સંસ્થાને પરત કરવા માટે કહ્યું હતું. સાથે જ તેને ચેતવણી આપી કે જો તે બાળકીને પાછી નહીં સોંપે તો તે ગુનાહિત આરોપોનો સામનો કરવા માટે તૈયાર રહે. ધોલપુર ચાઈલ્ડ વેલફેર કમિટીના સભ્ય ડૉક્ટર નરેશ શર્માએ કહ્યું કે બાળક દત્તક લેવાની એક કાનૂની પ્રક્રિયા હોય છે. આવી રીતે કોઈ નવજાત બાળકને દત્તક ન લઈ શકે. તેમણે જણાવ્યું કે, આવી રીતે તરછોડાયેલ બાળકને દત્તક લેવા યોગ્ય બનવામાં ર મહિનાનો સમય લાગે છે. આ બે મહિનામાં પોલીસ બાળકને જન્મ આપનાર માતા-પિતાની શોધખોળ કરે છે. જો બાળક બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં આશરે ર મહિના જેટલો સમય લાગે છે. ત્યારબાદ અમે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીને જાણકારી આપીએ છીએ કે એક બાળક દત્તક લેવા માટે ઉપલબ્ધ છે. કુશવાહની પત્ની સુખદેવી આ બાળકીને પરત સોંપવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે, દુર્ગા માતાએ તેમને આ ભેટ આપી છે. તેઓ ઘણા સમયથી તેની રાહ જોઈ રહ્યા હતા. દંપતીનું કહેવું છે કે, પોતાનો પરિવાર પૂરો કરવા માટે તેમને એક દીકરીની જરૂર હતી અને સાત દીકરા બાદ તેમને દીકરી મળી છે. કુશવાહાએ કહ્યું કે અમે નિર્ણય લીધો હતો કે સાતમાં પુત્રનો જન્મ થતાં હવે અમે વધુ બાળકોને જન્મ નહીં આપીએ અને એક દીકરીને દત્તક લઈશું.