(એજન્સી) નવી દિલ્હી,તા. ૨૯
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માંથી શુક્રવારે રાજીનામું આપનાર ભૂતપૂર્વ સાંસદ તારિક અનવરે જણાવ્યું કે એનસીપીના વડા શરદ પવાર રાફેલ સોદા અંગે સંયુક્ત વિપક્ષનો અવાજ નબળો બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે પવારના નિવેદનથી વિરોધ પક્ષોમાં મુંઝવણ પેદા થઇ છે. રાફેલ સોદો એક ચળવળ બની ગયો છે ત્યારે તેમણે વડાપ્રધાન મોદી તરફી નિવેદન કર્યું છે. રાફેલ સોદા અંગે તેમના નિવેદનનો સમય ખોટો છે. રાફેસ સોદામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બચાવ કરતા શરદ પવારના નિવેદન સામેના વિરોધમાં તારિક અનવરે એનસીપીમાંથી રાજીનામું આપ્યું છે. અનવર બિહારના કટિહારથી લોકસભાના સાંસદ હતા. ભૂતપૂર્વ સાંસદે જણાવ્યું કે શરદ પવાર સાથે તેઓ છેલ્લા ૨૦ વર્ષથી જોડાયેલા છે. પવાર સામે અંગત તેમનું કશું જ નથી પરંતુ રાફેલ સોદા અંગે પવારે જે કહ્યું છે તે વિપક્ષના અવાજની સંપૂર્ણપણે વિરૂદ્ધમાં છે. વિરોધ પક્ષો દ્વારા રાફેલ સોદા અંગે જાહેર અભિપ્રાય ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ મુદ્દા અંગે મોદીના સમર્થનમાં પવારે નિવેદન કર્યું છે. પક્ષમાંથી તેમના રાજીનામાના સમય સંબંધિત એક પ્રશ્ન અંગે તેમણે જણાવ્યું કે રાફેલ મુદ્દો દેશની સુરક્ષાનો મુદ્દો હોવાથી તે વધુ મહત્વનો છે. ભાવિ પગલા યોજના વિશે વાત કરતા તારિક અનવરે જણાવ્યું કે બિહારમાં એનસીપીની મજબૂત પકડ નહીં હોવાથી તેમણે એનસીપી છોડી દીધી હોવાનું કહેવાનું ખોટું છે. ૨૦૧૪માં અમે ગઠબંધનના ભાગ હતા અને સાથે મળીને ચૂંટણી લડી હતી અને જો હું એનસીપી સાથે રહું તો પણ ફરી ગઠબંધન કરવામાં તેમને કોઇ વાંધો નથી.