(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૫
વડોદરા શહેરમાં ધાબા પરથી પટકાતાં વધુ એક યુવાનનું મોત નિપજ્યું છે. વડોદરા શહેરના ઓપી રોડ પર આવેલી શિવ નિકેતન સોસાયટીમાં પતંગ ચગાવતી વખતે પગમાં દોરી વીટળાઈ જતા ધાબા પરથી નીચે પટકાતા યુવાનનું મોત નિપજ્યું હતું. વડોદરા શહેરના ઓપી રોડ પર આવેલી શિવ નિકેતન સોસાયટીમાં રહેતા નાગેન્દ્ર જાંદાર (૪પ) ઉત્તરાયણના દિવસે મોડી સાંજે પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવતા હતા, તે સમયે તેમના પગમાં દોરી વીટળાઈ ગઈ હતી. જેથી તેઓ ધાબા પરથી નીચે પટકાયા હતા. ઉત્તરાયણ પર્વે જ યુવાનનું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઉપરાંત વડોદરા શહેરના ખોડિયારનગર નજીક સયાજીપુરા પાણીની ટાંકી પાસે મુખ્યમંત્રી આવાસમાં બી-૭૦૬ બંસીધર હાઈટ્સમાં રહેતા ૧૬ વર્ષના કરણ રાઠોડનું સેલ્ફી લેવા જતા સાતમા માળેથી ટેરેસ ઉપરથી પટકાતા મોત નિપજ્યું હતું. કરણ ટેરેસ પર સેલ્ફી લઈ રહ્યો હતો, તે દરમિયાન એકાએક પટકાતા મોતને ભેટ્યો હતો. આ બનાવ અંગે બાપોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં પતંગ ચગાવતી વેળા ધાબા પરથી પટકાતાં યુવાનનું મોત

Recent Comments