દરેક દેશની પોતાની એક આગવી ઓળખ હોય છે. કોઈ દેશ ભવ્ય વારસાથી અકબંધ હોય છે, તો કોઈ દેશ સંસ્કૃતિથી મઘમઘતો હોય છે, તો વળી કોઈ દેશ વેપારથી જગ વિખ્યાત હોય છે. એવા જ બે જુદા-જુદા દેશો કે જેની સંસ્કૃતિ, રહેણીકરણી તદ્દન જુદી છે, તેમ છતાંય કુદરતના સૌંદર્યને તસવીરમાં રજૂ કરતાં આ બંને દેશોમાં એક વાત સર્વસામાન્ય છે કે જ્યાં એક જ પ્રકારના વેપારનો સોદો કરવામાં આવે છે અને આ વેપાર છે સુગંધથી મઘમઘતા ફૂલોનો. ફૂલોના આ વેપારનો વિસ્તાર વધુ હોવા છતાં તેમાંથી રોજિંદી આવક મેળવીને ગુજરાન ચલાવતા કેટલાય છૂટક વેપારીઓ ગરીબીમાં સપડાતા હોય છે. ફૂલોને વેચીને બીજાના મનને પ્રફુલ્લિત કરતાં, લોકોના ઘરને મહેકાવતો આ વેપારી આ જ ફૂલોથી પોતાના ઘરને સુગંધિત-સુશોભિત કરવાના માત્ર સ્વપ્ના જ જોઈ શકે છે.
પ્રથમ તસવીરમાં બાંગ્લાદેશનો એક બાળક નીલકમલ પુષ્પોની લણણી કરતો જોવા મળી રહ્યો છે. ફૂલોના આ ઢગલામાં સુગંધ, સુંદરતા, મનમોહકતા તો છે, પરંતુ આ ઢગલામાં બાળકનું બાળપણ એની સુંદરતા ક્યાંક ખોવાઈ ગઈ હોય, તેવું લાગી રહ્યું છે.
બીજી તસવીરમાં બાંગ્લાદેશના એક તળાવનું સુંદર દૃશ્ય જોવા મળી રહ્યું છે જ્યાં ચૂંટેલા કમળના પુષ્પોને હોડીમાં એકઠા કરી, તેને બજાર સુધી પહોંચાડવા માટે પાણીમાં હલેસાં મારતો એક બાળક નજરે પડે છે. હોડીને આગળ ધપાવવા પાણીમાં સંઘર્ષ કરતાં હલેસાંની માફક પોતાની નિર્દોષતા, પોતાના બાળપણને ભૂલી જઈ જવાબદારીઓ નિભાવવા માટે સંઘર્ષ કરી રહેલા આ બાળકની વ્યથા પણ હલેસાં જેવી જ જણાય છે.
Recent Comments