અમદાવાદ,તા.૫
શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ એક મકાનમાં તસ્કરોએ ચોરી કર્યા બાદ ચોરેલો સામાન મૂકવા માટે કારની ચોરી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મકાન માલિક તેમના પરિવાર સાથે હરિદ્વાર ફરવા માટે ગયા હતા ત્યારે તસ્કરોએ તેમના મકાનમાં ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ મકાન માલિકની કાર લઇને ફરાર થઇ ગયા હતા. મણિનગર પોલીસે આ સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તસ્કરો ચોરી કરવા માટે ચાલતા ચાલતા આવ્યા હતા અને ત્યારબાદ ચોરેલો સામાન મકાન માલિકની કારમાં મૂકીને નાસી ગયા હતા. આ બનાવની વિગત એવી છે કે, મણિનગર વિસ્તારમાં આવેલ પાર્થ એપોર્ટમેન્ટમાં રહેતા અને કે.કે.શાહ સાયન્સ કોલેજમાં કેમ્પસ કેન્ડીડેટ તરીકે કામ કરતા અનીતાબહેન ઠક્કરે મણિનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે મણિનગરમાં આવેલ માતૃકૃપા બંગ્લોઝમાં રહેતાં અનીતાબહેનના કાકા યોગેશભાઇ ઠક્કર હરિદ્વાર ફરવા માટે ગયા છે. હરિદ્વાર જતી વખતે યોગેશભાઇએ ઘરનું ધ્યાન રાખવા માટે અનીતાબહેનને કહ્યું હતું. અનીતાબહેન સવાર સાંજ કાકા યોગેશભાઇના ઘરે મકાનનું ધ્યાન રાખવા જતાં હતાં. ગઇકાલે સવારે યોગેશભાઇએ હરિદ્વારથી અનીતાબહેનને ફોન કર્યો હતો અને ઘરનું તાળું તૂટેલું હોવાના સમાચાર આપ્યા હતા. અનીતાબહેન તાત્કાલીક યોગેશભાઇના ઘરે પહોંચી ગયા હતા જ્યાં તેમણે ઘરમાં જઇને જોયું હતું કે ઘરનો સરસમાન વેરવિખેર હતો અને રૂમમાં રહેલા કબાટમાંથી ચોરી થઇ હતી. તસ્કરોએ મોડી રાતે યોગેશભાઇના ઘરમાં ઘૂસીને ૧.૧૦ લાખ રોક્ડ તેમજ ૮૧ હજારના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ઘરમાં ચોરી કર્યા પછી તસ્કરો યોગેશભાઇની કાર પણ લઇ ગયા હતા. અનીતાબહેને તાત્કાલીક પોલીસ કંટ્રોલમાં ફોન કરીને ચોરી થઇ હોવાની જાણ કરતાં મણિનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે આ મામલે તસ્કરો વિરૂધ્ધ ચોરીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. બનાવને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ચર્ચા ચાલી હતી.