અમરેલી, તા.૨૬
અમરેલીની સુખનિવાસ કોલોનીમાં રહેતા નાયબ મામલતદારના ઘરમાંથી કોઈ તસ્કરો લેપટોપ, એપલનો મોબાઈલ અને રોકડ સહિતની ચોરી કરી જતા અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી.
અમરેલી સહિત જિલ્લાભરમાં તસ્કરોએ વારંવાર ચોરી કરી પોલીસને ચેલેન્જ ફેંકી રહ્યા છે. પોલીસ એક ચોરીના આરોપીઓને પકડે છે ત્યાં બીજી ચોરીને તસ્કરો દ્વારા અંજામ આપે છે, અમરેલીના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ રહે છે ત્યાં સુખનિવાસ કોલોનીમાં પણ તસ્કરો વારંવાર ચોરી કરી જાય છે, જ્યાં એસપી, કલેકટર ડિસ્ટ્રીકટ જજો સહિતના અધિકારીઓ રહે છે તેમ છતાં તસ્કરો ચોરી કરી જાય છે.
અમરેલીના સુખનિવાસ કોલોનીમાં બ્લોક નંબર-સી ૧માં રૂમ નંબર ૯માં રહેતા અને બાબરા ખાતે મામલતદાર કચેરીમાં રેવન્યુ વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હિરેનભાઈ ઈશ્વરદાનભાઈ ગઢવી ગત તા.૨૨/૧૨ના રોજ શનિ રવિ રાજા હોવાથી પોતાના વતન ભાવનગર ખાતે ગયેલ હતા ત્યારે પાછળથી કોઈ તસ્કરો મેન દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી લેપટોપ નંગ-૧કિંમત રૂ।.૧૦ હજાર તેમજ એપલ કંપનીનો સિમ કાર્ડ વગરનો મોબાઈલ નંગ-૧ કિંમત રૂપિયા ૧૫ હજાર તેમજ રોકડ ૯ હજાર મળી કુલ રૂપિયા ૩૪૦૦૦ની ચોરી કોઈ તસ્કરો કરી જતા નાયબ મામલતદાર ગઢવીએ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.