ખોલવડ, તા.૧૬
કામરેજ સુગરમાં પાઈપ ચોરી કરવા આવેલાઓને સિક્યુરિટીના માણસોએ ફિલ્મી ઢબે પીછો કરી બેને પકડી પાડી પોલીસને હવાલે કરાતા કામરેજ પોલીસે સિક્યુરિટીવાળાઓ સામે પણ ગુનો નોંધવાની વાત કરતા સુગરના સત્તાવાળાઓએ જિલ્લા પોલીસવડાને વાત કરતા આખરે કામરેજ પોલીસે સિક્યુરિટીની ફરિયાદ નોંધી બેની અટક કરી ભાગી છૂટેલા ત્રીજાને પકડવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલછે.
મળતી માહિતી મુજબ કામરેજના નવી પારડી ખાતે કાર્યરત કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના કમ્પાઉન્ડમાં ગતરોજ સાંજના છ વાગ્યાના સુમારે સુગરના કમ્પાઉન્ડમાં મૂકેલ ભંગારના સામાનમાંથી ત્રણ ઈસમો ભંગારના પાઈપની ચોરી કરી ભાગતા હતા તેમની ફરજ ઉપરના સિક્યુરિટી ગાર્ડને માણસોએ જોતા તેમનો પીછો કરવામાં આવ્યો હતો. સિક્યુરિટીના ઓફિસર અરૂણકુમાર સિદ્ધાર્થ સિંગને પણ જાણ કરાતા તેઓ પણ શનિવારની રજા હોય ઘરે હોય તુરંત ધસી ગયા હતા અને સિક્યુરિટીના માણસો રામેશ્વર યાદવ અને મહેન્દ્રભાઈ સિંગ તથા સુગરના અન્યોએ પેલા ત્રણ ઈસમોનો પીછો કરતાં તેઓ ગેટની સામેથી પસાર થતી નાની નહેર તરફ ભાગતા તેઓનો પીછો કરાતા તેમણે ચોરેલ પાઈપ ફેંકી દઈ નજીકમાં ઝાડની પાછળ છૂપાઈ ગયા હતા.
સિક્યુરિટીના માણસોએ તેમને પકડવા જતાં ઝપાઝપી થતાં બેને પકડી પાડ્યા હતા અને ત્રીજો ત્યાંથી ભાગી જવામાં સફળ થયો હતો. ભાગી છૂટેલા ઈસમે આંબોલી જઈ તેમના સાથીઓને વાત કરતા કેટલાક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અમારા માણસોને છોડી દેવાની માગણી કરી હતી પરંતુ તેમને છોડયા નહતા.
ઘટનાની જાણકારી સુગરના કર્તાહર્તાઓને કરાતા કામરેજના પી.આઈ.તોમરને વાત કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં પોલીસે સિક્યુરિટીના માણસોને તમોએ પણ તેમને માર્યા છે એટલે તમારી સામે પણ ગુનો નોંધવાનું પેલા ચોર ઈસમો કહે છે એમ કહેતા સુગરના કર્તાહર્તાને વાત કરાતા સુગરના કર્તાહર્તાએ જિલ્લા પોલીસ વડાને વાત કરાતા આખરે કામરેજ પોલીસને ફક્ત ચોરો સામે ગુનો નોંધવાની નોબત આવી હતી.
કામરેજ પોલીસે સિક્યુરિટી ઓફિસર અરૂણકુમારની ફરિયાદ લઈ પકડાયેલા બેની પૂછપરછ કરતા તેમણે તેમના નામો અજય સુરેશ આગલે અને કારણ બુધિયા આગલે તથા ભાગી છૂટેલ ત્રીજા ઈસમનું નામ મુકેશ બુધિયા આગલે હોવાનું જણાવ્યું હતું પોલીસે પંદર ફૂટની જૂની પાઈપ કિંમત રૂા.૧પ૦૦ના પાઈપની ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કામરેજ પોલીસને ચોર પકડી આપી મદદ કરવા જનારને પણ ગુનેગાર બનાવવાની વાત સુગરના કમ્પાઉન્ડમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને પોલીસની નીતિ રીતિ સામે રોષ ઠાલવતા હતા ચોરોને પકડી પોલીસને હવાલે કરનારની પીઠ ધાબડવાના બદલે પોલીસ તેમની સામે પણ ગુનો નોંધવાની તજવીજ કરે એ વ્યાજબી છે ખરું ? આ પ્રશ્ન ચારેકોર ચર્ચાતો હતો.
તસ્કરોને પકડી પાડનાર સિક્યુરિટી જવાન સામે ગુનો નોંધવાની પેરવીથી રોષની લાગણી

Recent Comments