મીઠાપુર, તા.૧૯
ઓખામંડળમાં આવેલી તાતા કેમિકલ્સ દ્વારા આરંભડા નજીક ચલાવવામાં આવતા સોલ્ટ વર્કસ નજીકના સમ્પ પાસેથી ગઈરાત્રે તીવ્ર વાસ વછૂટવાનું શરૂ થતાં આજુબાજુમાં રહેતા લોકોને ગળા તથા આંખની બળતરાની તકલીફથી ત્રાહિમામ પોકારી ગયા હતા. આ બનાવની જાણના પગલે તાતા કંપનીના દોડી આવેલા ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવ્યો પછી વાસ અંશતઃ રીતે દૂર થઈ હતી તેમ છતાં ચારેક જેટલા વ્યક્તિઓને ઉલટીઓ શરૂ થતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આજે વહેલી સવાર સુધી કામગીરી ચાલ્યા પછી પોલીસે હાલમાં જાણવાજોગ નોંધી છે અને સમ્પમાં રહેલા પાણીનો નમૂનો મેળવી તેને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલ્યો છે. આ બનાવે રાતભર આરંભડામાં દોડધામ મચાવી હતી. ગઈકાલે રાત્રે કોઈ કારણથી આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોએ આંખ તથા ગળામાં બળતરા થતી હોવાની ફરિયાદો શરૂ કરી હતી. અંદાજે આઠેક વાગ્યાથી શરૂ થયેલી આ તકલીફ એક-દોઢ કલાકના સમય પછી અત્યંત તીવ્ર બનવા પામી હતી. જેના પગલે તે વિસ્તારના લોકો ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા. સાંજ સુધી રાબેતા મુજબના રહેલા વાતાવરણમાં આઠ વાગ્યાથી અણધાર્યો પલટો આવ્યા પછી સંખ્યાબંધ વ્યક્તિઓએ આંખની બળતરાની ફરિયાદો કરવાનું શરૂ કર્યું હતું. અંદાજે ચારસોથી વધુ જેટલા આબાલ વૃદ્ધ આંખ-ગળાની બળતરાનો ભોગ બનવા માંડ્યા હતા. આ બાબતની તાતા કેમિકલ્સને જાણ કરવામાં આવતા કંપનીના ફાયર ફાઈટરો જરૂરી સામગ્રી સાથે દોડી આવ્યા હતા. જે સ્થળે આ તકલીફનું ઉદ્ગમ સ્થાને પાણી તથા અન્ય કેમિકલનો મારો ચલાવવામાં આવતા રાત્રે સાડા બારેક વાગ્યે બળતરાની તીવ્રતા ઘટવા પામી હતી તેમ છતાં સવારે ચારેક વાગ્યા સુધી આ તકલીફ રહેવા પામી હતી. ઉપરોક્ત બાબતની જાણ થતા પોલીસ કાફલો પણ ધસી આવ્યો હતો. પોલીસે ૧૦૮ એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખી દીધી હતી. આ બનાવ બન્યો હોવાની જાણ થતા તાતા કંપનીના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. તેઓએ અમારી કંપની દ્વારા આ સ્થળે આવું કોઈપણ કેમિકલ નાખવામાં આવ્યું નથી તેવો ખુલાસો કર્યો હતો, પરંતુ આંખ અને ગળાની બળતરા યથાવત્‌ રહી હોય તેઓએ તપાસ માટે આગળની તજવીજ હાથ ધરી હતી. સ્થાનિક લોકોમાં ચર્ચાતી વિગત મુજબ ગઈકાલે મોડી સાંજે તાતા કેમિકલના સમ્પ પાસે એક છકડો કોઈ કેમિકલ ભરેલા કેરબા લઈને આવ્યો હતો. તેમાંથી કેમિકલ આ સ્થળે ઠાલવવામાં આવ્યા પછી આંખ-ગળાની બળતરા શરૂ થઈ હતી. જો કે, આ બાબતનું કંપનીના અધિકારીઓએ ખંડન કરી અમારા તરફથી કોઈપણ પ્રકારનું કેમિકલ આ સ્થળે ઠાલવવામાં આવ્યો નથી તેવો ખુલાસો કર્યો હતો. સમ્પમાં ઠાલવાયેલા કહેવાતા કેમિકલવાળા પાણીનો આજે સવારે પોલીસે નમૂનો લીધો છે. મીઠાપુરના ઈન્ચાર્જ પીઆઈ સી.બી. જાડેજાએ આજે સવારે આ બાબતની જાણવાજોગ નોંધી છે અને લોકોમાં ચર્ચાતી વિગત મુજબ જો કોઈ કેમિકલ સમ્પમાં પાણી સાથે ભેળવવામાં આવ્યું હોય તો તે કેમિકલ કયું હતું ? તેની સઘન ચકાસણી માટે પાણીનો નમૂનો લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.