(સંવાદદાતા દ્વારા)
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજરોજ જંબુસર ખાતે યુવા રોજગાર ખેડૂત અધિકાર નવસર્જન યાત્રાના ભવ્ય પ્રારંભ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણી-ર૦૧૭નું રણશિંગુ ફુંક્યુ હતું. જંબુસર બાદ આમોદ સમનીથી દયાદરા થઈ અંકલેશ્વર આવી પહોંચેલી યાત્રા બાદ હજારો લોકોની વિશાળ મેદનીને રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું. વાલિયા ચોકડી ખાતે યોજાયેલી જંગી જાહેરસભામાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રર વર્ષથી વાયબ્રન્ટ ગુજરાત સમિટ, વનબંધુ કલ્યાણ યોજના, સાગર ખેડૂ યોજના સહિત અનેક ભ્રામક યોજનાઓના નામે નરેન્દ્ર મોદી અને ભાજપે વર્ષોવર્ષ પ્રજા સાથે છેતરપિંડી કરી છે. ૮ વાયબ્રન્ટ સમિટમાં ભાજપ સરકારે રૂા.૮૪ લાખ કરોડના મૂડી રોકાણો થયા હોવાના દાવાની પોલ ઉઘાડતા સરકારી આંકડાઓ પ્રમાણે ર ટકાથી ઓછું રોકાણ થયું હોવાનું જણાવ્યુું હતું. ટાટા નેનો ગાડીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ પ્રજાના પરસેવાના રૂા.૩૩૦૦૦ કરોડ નેનો ફેકટરીને પધરાવી દીધા છતાં રસ્તાઓ પર ટાટા નેનો દેખાય છે તેવો પ્રશ્ન કરી વીજળી, પાણી અને જમીનો લીધા બાદ પણ ગુજરાતના યુવાનો આજે રોજગારથી વંચિત છે જે ભાજપના પાપે તેવા આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ ગુજરાતની દરેક પ્રજાના મોઢે ભાજપની ફરિયાદ હોવાનો ઉલ્લેખ કરતા ગુજરાતના ખેડૂતો, માછીમારો, આદિવાસી સમાજ બધા જ પોતે છેતરાયા હોવાનો અહેસાસ કરતા હોવાનું જણાવ્યું હતું. ગુજરાતમાં સામાન્ય પ્રજા સિવાય માત્ર ૧પ ઉદ્યોગપતિઓ જ ભાજપના શાસનમાં તાગડધિન્ના કરતા હોવાના આક્ષેપો સાથે રાહુલે ભાજપા ઉપર ચાબખા માર્યા હતા. ગુજરાતની ૯૦ ટકા કોલેજ યુનિવર્સિટીઓ ઉદ્યોગપતિઓના કબજામાં હોવાનો તેમજ સામાન્ય યુવાનોએ ભણવા માટે ૧પથી ર૦ લાખ ચૂકવવા પડતા હોવાનું તેમજ ૩૦ લાખ યુવાઓ ગુજરાતમાં બેરોજગાર હોવાનું જણાવ્યું હતું. નોટબંધીના તરકટથી ભારતદેશના બેનંબરીયાઓના નાણાં મોદીએ વ્હાઈટ કરી આપ્યાના આક્ષેપ કર્યા હતા. નોટબંધીથી જીડીપી ર ટકા ઘટી ગયો હોવા છતાં જીએસટી સહિત પ અલગ અલગ ટેક્સ નાંખી ભાજપે પ્રજાનું શોષણ કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અમિત શાહના પુત્ર જયશાહ વિશે બોલતા રાહુલે શાહ…જાદાનો ઉલ્લેખ કરી આટલી કાયમી સ્થિતિમાં જ્યાં ૭૦,૦૦૦ કારખાનાઓ બંધ થઈ ગયા છે ત્યાં જય શાહની પાંચ વર્ષથી કાગળ પર ચાલતી કંપની એકાએક કરોડોનો નફો કઈ રીતે કરે તે શીખવા જેવું છે તેવો વ્યંગ કર્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાહુલ ગાંધી ગુજરાતમાં આવે ત્યારે ભાજપના પેટમાં તેલ રેડાય છે. તેવો આક્ષેપ કરતા આનંદીબેનને અમિત શાહે સીએમ પદેથી હટાવ્યા બાદ રબર સ્ટેમ્પ એવા વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવી ભાજપે પોત પ્રકાશ્યું હોવાનું જણાવ્યું હતું. ગુજરાતના પ્રાણ પ્રશ્નોને બદલે રોજ રૂપાણી સવારે ઉઠીને રાહુલની વાત ક્યારેક સાંસદ અહમદ પટેલ પર કીચડ ઉછાળવા પ્રયત્ન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપ પોતાની હાર નિશ્ચિત હોવાનું સમજી ગઈ હોઈ હવાતિયા મારતા હોવાના ચાબખા માર્યા હતા. ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતે ભાજપના એકપણ નેતાએ આઝાદીમાં બલિદાન આપ્યું નથી. તેમ જણાવતાં સ્વરાજ આંદોલન વેળા મૂખબરી કરનારા લોકો હાલ સત્તામાં બેઠા છે તેમને ઉખાડી ફેંકવા હાકલ કરી હતી.
GST‌ એટલે ગબ્બરસિંહ ટેક્ષ કહેતાં જ સભામાં તાળીઓનો વરસાદ

અમદાવાદ, તા.૧
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ આજે ઝંઝાવતી ચૂંટણી પ્રચારનો ચોંથો દોર જારી રાખ્યો હતો. રાહુલ ગાંધીએ કયા મુદ્દે લોકોનું ધ્યાન ખેંચ્યું તે નીચે મુજબ છે.
• રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર જીએસટીને લઇ મોદી સરકાર અને નાણાંપ્રધાન અરૂણ જેટલી પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી સરકારના જીએસટીનું નામ મેં નવું નામ આપ્યું છે. ગબ્બર સિંહ ટેક્સ…આ સાંભળતાં જ ઉપસ્થિત વિશાળ જનમેદનીએ જોરદાર રીતે તાળીઓ પાડી રાહુલ ગાંધીના કટાક્ષને એક રીતે વધાવી લીધો હતો. રાહુલ ગાંધીએ જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ જણાવતાં કહ્યું કે, જેટલીજીએ તેમની ઓફિસમાં બેસી બહારના લોકોની સલાહ માનવાને બદલે પાંચ-દસ મિનિટ માટે નાના દુકાનદાર કે વેપારી પાસે બેસવું જોઇએ તો તેમને ખ્યાલ આવે કે, નોટબંધી, જીએસટીએ લોકોને કેવા બરબાદ કરી નાંખ્યા છે.
• રાહુલ ગાંધીએ વિશાળ જનસમુદાયને સંબોધતા એમ પણ જણાવ્યું કે, ગુજરાતે હંમેશા સમગ્ર દેશને એક નવી રાહ ચીંધી છે. ગુજરાતે દેશને મહાત્મા ગાંધી, સરદાર પટેલ જેવા મહાન સપૂત આપ્યા. ભાજપ જે પ્રકારે વિકાસ અને ગુજરાત મોડેલની વાતો કરી લોકોને ભરમાવ્યા છે તેનાથી હવે લોકોને સાચી વાતનો ખ્યાલ આવી ગયો છે. ગુજરાતની જનતાને હવે સાચી વાત સમજાઇ ગઇ છે. ગુજરાતની જનતાને ખબર પડી ગઇ છે, ગુજરાતના ખેડૂતો, મજૂરો, નાના દુકાનદારો, વેપારીઓ અને મધ્યમ કદના ઉદ્યોગોમાં જ સાચી શકિત છે, તેમના થકી જ ગુજરાતનો વિકાસ થયો છે.
• રાહુલ ગાંધી આજે દિલ્હીથી આવ્યા ત્યારે તેમની સાથે એક બેગ(રક્ષક) લઇને આવ્યા હતા અને તે સતત તેમની સાથે પોતાના ખભે ભરાવીને ચાલતા હતા. કોંગ્રેસના આગેવાનો અને અન્ય કાર્યકરોએ રાહુલ ગાંધીને તેમની બેગ ઉઠાવી લેવાની તૈયારી બતાવી ત્યારે રાહુલ ગાંધીએ ભારે વિનમ્રતા સાથે તેઓને ના પાડી જાતે જ રક્ષક પોતાના ખભે ભરાવી ચાલતા રહ્યા હતા. રાહુલ ગાંધીની સરળતા અને રક્ષક ભરાવી યુવા કોલેજીયન જેવો જોશ જોઇ સૌકોઇ પ્રભાવિત થયા હતા. ખુદ કોંગ્રેસના નેતાઓથી માંડી સ્થાનિક લોકોએ રાહુલ ગાંધીના આ સરળ સ્વભાવની હકારાત્મક નોંધ લીધી હતી.