અમદાવાદ, તા.ર૪
આંધ્રપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની હત્યા કરવાના ષડયંત્રમાં સંડોવાયેલા અને વિવિધ સંગઠનો મારફતે નકસલવાદી પ્રવૃત્તિઓ આચરતાં નકસલવાદીને ગુજરાત એટીએસે હૈદરાબાદથી ઝડપી પાડ્યો છે.
નકસલવાદી પ્રવૃત્તિના મુખ્ય સૂત્રધાર અને પ્રતિબંધિત નકસલવાદી સંસ્થા સીપીઆ્રૂમાઓઇસ્ટ) શ્રીરામુલા શ્રીનિવાસ ઉર્ફે કિરણ ઉર્ફે અમર ઉર્ફે સુદર્શન ઉર્ફે આનંદ ઉર્ફે આંબેડકર ઉર્ફે પપન્ના ઉર્ફે લંકોને ગુજરાત એટીએસની ટીમે હૈદ્રાબાદ ખાતેથી ઝડપી લીધો છે અને તેને અહીં લઇ આવી છે. શ્રીનિવાસની પૂછપરછમાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે જે મુજબ, તે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોમાં વિવિધ લેબર યુનિયન અને અનરજિસ્ટર્ડ સંગઠનો મારફતે નકસલવાદની પ્રવૃત્તિ આચરતો હતો અને તેના મૂળિયા આ સંગઠનો માધ્યમ મારફતે પ્રચાર-પ્રસાર થકી મજબૂત બનાવતો હતો. આરોપી શ્રીનિવાસ સુરતના કામરેજ પોલીસ મથકના અનલોફુલ એકટીવીટીઝ(પ્રિવેન્શન) અમેન્ડમેન્ટ એકટ-૨૦૦૪ની વિવિધ કલમો અને આઇપીસીની કલમ-૧૨૦(બી), ૧૨૧(એ), ૧૨૪(એ) અને ૧૫૩(એ)(બી) સહિતના ગુનાઓમાં છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. ગુજરાત એટીએસની ટીમ દ્વારા આરોપી શ્રીરામુલા શ્રીનિવાસને ચોક્કસ બાતમીના આધારે તેલંગાણા રાજ્યના હૈદ્રાબાદ ખાતેથી ઝડપી લેવાયો હતો. શ્રીનિવાસની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે, તે પ્રતિબંધિત નકસલવાદી સંસ્થા સીપીઆઇ (માઓઇસ્ટ)નો ભૂમિગત હોદ્દેદાર અને સભ્યપદ ધરાવતો હતો. જે તે સમયે તેણે સુરત, ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના ક્ષેત્રોમાં રાષ્ટ્રવિરોધી ક્રાંતિકારી જનયુધ્ધ છેડવાના ઇરાદાથી ધાર્મિક અલ્પસંખ્યકો અને વનવાસી આદિવાસીઓમાં ભ્રામક પ્રચાર કરી પાડોશી રાજયોના નકસલવાદથી અસરગ્રસ્ત ક્ષેત્ર સાથે સંપર્કમાં રહી રાષ્ટ્રવિરોધી કૃત્ય માટે કાવતરૂં રચ્યું હતું. આરોપી શ્રીરામુલા શ્રીનિવાસ નવજવાન ભારત, ગુજરાત પાવર લુમ્સ મજદુર યુનિયન, ગુજરાત ટેક્ષ્ટાઇલ મજદુર યુનિયન, ટેક્ષ્ટાઇલ મજદુર યુનિયન, મજદુર વિકાસ મંચ, ક્રાંતિકારી કામદાર સંગઠન, સુરત નાગરિક અધિકાર મંચ સહિતના અનરજિસ્ટર્ડ યુનિયન અને સંગઠનોને ફ્રન્ટ તરીકે આગળ રાખી જરૂરી સાહિત્ય તૈયાર કરી કેડરો સુધી પહોંચાડતો હતો અને સીપીઆઇ (એમએલ) પીડબ્લ્યુજી પાર્ટીની મજબૂત કેડરો તૈયાર કરી સશસ્ત્ર તાલીમ માટે જંગલમાં મોકલી સંગઠન મજબૂત બનાવી નકસલવાદની પ્રવૃત્તિનો પ્રચાર-પ્રસાર કરતો હતો. એટીએસના અધિકારીઓએ શ્રીનિવાસની પૂછપરછ જારી રાખી રાષ્ટ્રવિરોધી કાવતરાના હજુ ચોંકાવનારા તથ્યો બહાર લાવવાના પ્રયાસો ચાલુ રાખ્યા છે.
૨૦૦૩માં ચંદ્રાબાબુની હત્યા કરવા આવ્યો હતો

અમદાવાદ, તા.૨૪
શ્રીરામુલા શ્રીનિવાસ ૨૦૦૩માં આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુની હત્યા કરવા આવ્યો હતો. એ વખતે કરાયેલ અલપીરી કલેમોર માઇન બ્લાસ્ટનો તે માસ્ટર માઇન્ડ હતો. અગાઉ શ્રીનિવાસની ૨૦૦૭માં ધરપકડ કરાઇ હતી પરંતુ ૨૦૧૧માં ડિસ્ટ્રીક્ટ કલેકટર વિનીલ ક્રિશ્નાનું અપહરણ થતાં તેમને સુરક્ષિત મુકત કરાવવા માટે શ્રીરામુલા શ્રીનિવાસને છોડાયો હતો, જે છ વર્ષ બાદ ફરી પકડાઇ ગયો છે.