(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
આવકવેરા વિભાગે ગુરૂવારે “ધ ક્વિન્ટ” વેબસાઈટના સંસ્થાપક અને માલિક રાઘવ બહલના નોઈડા સ્થિત નિવાસસ્થાન અને કચેરી પર દરોડા પાડ્યા હતા. ટેક્ષ ચોરીની આશંકા પરથી આ કાર્યવાહી કરાઈ હોવાનું મીડિયાના અહેવાલો જણાવે છે. “ધ ક્વિન્ટ” વેબસાઈટના સંસ્થાપક અને જાણીતા પત્રકાર રાઘવ બહાલના નોઈડા સ્થિત ઘરે રેડ કરાઈ હતી. ઈન્કમટેક્ષ વિભાગે તેમના ઘરની છાનબીન કરી હતી. કેટલાક દસ્તાવેજો અને સબૂતોની તલાશી લીધી હતી. દરોડા સમયે રાઘવ મુંબઈમાં હતા. પત્રકાર રાઘવ બહલને ટીવી ચેનલ ચાલુ કરવા માટે મોદી સરકાર લાયસન્સ આપતી નથી. ધ ક્વિન્ટ સિવાય રાઘવ બહલ નેટવર્ક ૧૮ ગ્રુપના સંસ્થાપક પણ રહ્યા છે. ટેક્ષના દસ્તાવેજોની ચકાસણી માટે આયકર વિભાગની ટીમ તેમના ઘરે પહોંચી હતી. રાઘવ બહલ દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં કહ્યું છે કે તેઓ આ મુદ્દો એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા સમક્ષ ઉઠાવશે. મુંબઈમાં પણ ડઝન જેટલા આવકવેરાના અધિકારી તેમના ઘરે રેડ કરવા પહોંચ્યા હતા. અમે પૂરેપૂરો ટેક્ષ ચૂકવીએ છીએ. તેમને તમામ દસ્તાવેજ આપીશું. તેમણે કહ્યું કે, એક અધિકારી યાદવ સાથે વાત કરી છે. તેમને અનુરોધ કરાયો છે કે તેઓ અન્ય મેલ-દસ્તાવેજ ન જુએ. જેમાં ઘણી ગંભીર અને સંવેદનશીલ પત્રકારિતાની સામગ્રી છે. તેઓ તેને જોશે તો અમે વિરોધ કરીશું. એડિટર્સ ગિલ્ડ આ મુદ્દે અમારું સમર્થન કરશે. અધિકારીઓ સ્માર્ટફોન દ્વારા કોઈ દસ્તાવેજના ફોટા ન લે. ટૂંકમાં જ હું દિલ્હી પહોંચીશ.
દરમિયાન કોંગ્રેસે મોદી સરકાર પર મીડિયાને દબાવવા માટે ઈડી અને સીબીઆઈનો દુરૂપયોગ કરે છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું કે મોદી સરકાર સત્ય બહાર લાવે છે તેમને કેવી રીતે નિશાન બનાવે છે તેનું આ ઉદાહરણ છે. જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, મોદી સરકારથી ટીકા કરતા મીડિયાને સીબીઆઈ-ઈડી દ્વારા દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જાણીતા પત્રકાર આશુતોષે કહ્યું કે, રાઘવજી એક સન્માનજનક પત્રકાર છે. મોદી સરકારની ટીકા બદલ તેઓ કિંમત ચૂકવી રહ્યા છે. જાણીતા પત્રકાર શેખર ગુપ્તાએ કહ્યું કે રાઘવજીના નિવાસે આઈટીની રેડ ચિંતાજનક છે. ટેક્ષ અધિકારી નિવાસે આઈટીની રેડ ચિંતાજનક છે. ટેક્ષ અધિકારીને તમામ પ્રશ્નો પૂછવાનો અધિકાર છે. પરંતુ રેડ ઈરાદાપૂર્વક છે. સરકારે ખુલાસો કરવો જોઈએ ! નહીંતર સરકારની ટીકા કરતાં મીડિયાને નિશાન બનાવાય છે તેવું સમજાશે.