(એજન્સી) ગુંટુર, તા. ૩૦
આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જા અંગે ભાજપ અને ટીડીપી વચ્ચે સર્જાયેલી મડાગાંઠ વચ્ચે મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો છે કે, જો તેમની પાર્ટીએ ભાજપ સાથે ગઠબંધન ના કર્યું હોત તો તેઓ વધુ ૧૫ બેઠકો જીતી શક્યા હોત. ટીડીપીની રચનાની ૩૭મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે નાયડુએ કહ્યું કે, વિભાજન પહેલા અમે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. તે રાજકીય ફાયદા માટે નહતું પણ ફક્ત વિકાસના આશય માટે જ હતું. જો અમે ભાજપ સાથે ગઠબંધન ના કર્યું હોત તો અમે વધુ ૧૫ બેઠકો જીતી શક્યા હોત. તેઓએ વિશેષ રાજ્યના દરજ્જા અંગે અમારી સાથે છેતરપિંડી કરી છે. ટીડીપીના અધ્યક્ષે કેન્દ્ર સરકાર જુઠ્ઠાણું ફેલાવી રહી હોવાનો આરોપ પણ મુક્યો હતો જેમાં તેમણે રાજ્યના વિશેષ દરજ્જાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, વિશેષ દરજ્જાને પડતો મુકાયો. પરંતું તેના લાભ ઉત્તરપૂર્વના રાજ્યોને અપાઇ રહ્યો છે. તો તેઓ શા માટે અમને આ દરજ્જો નથી આપતા ? આ અમારો અધિકાર છે અને કેન્દ્ર સરકાર જુઠ્ઠાણું ફેલાવે છે. ૧૬મી માર્ચે ટીડીપીએ એનડીએ સરકાર સાથે ખાસ રાજ્યના દરજ્જા મુદ્દે છેડો ફાડ્યો હતો. ત્યારબાદ ટીડીપી અને રાજ્યની વાયએસઆર કોંગ્રેસે સંસદમાં સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મુક્યો હતો.