(એજન્સી) વિજયવાડા, તા.ર૮
શું ર૦૧૯ની લોકસભા ચૂંટણીઓ ટીડીપી એકલે હાથે લડશે ? જો કે અમુક નેતાઓનું માનવું છે કે, આ ચર્ચા હાલમાં કવેળાની જણાય કારણ કે ચૂંટણીઓમાં હજુ એક વર્ષ બાકી છે જ્યારે અમુક નેતાઓ જણાવે છે કે, અત્યારથી ટીડીપીએ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય લઈ તૈયારી શરૂ કરવી જોઈએ. હાલમાં ટીડીપીના મુખ્ય વિરોધ પક્ષો વાયએસઆરસી અને ભાજપ છે. જનસેનાના અધ્યક્ષ પવન કલ્યાણ જેમણે ર૦૧૪માં ભાજપ અને ટીડીપીના જોડાણમાં મહેનત કરી હતી. એમણે આંધ્રપ્રદેશને લાભ નહીં અપાવવા માટે ટીડીપીને પણ એટલો જ દોષી ગણાવ્યો જેટલો કેન્દ્ર સરકારને ગણાવ્યો છે. નાયડુએ ડાબેરી પક્ષના નેતાઓ સાથે બેંગ્લુરૂમાં મીટિંગ કરી હતી તેમ છતાં ટીડીપી નેતાઓને ખાત્રી નથી કે સીપીઆઈ અને સીપીએમ સાથે ગઠબંધન કરવાથી લાભ થશે કે કેમ કારણ કે એ પક્ષોની સેના સાથે જોડાયેલ જ છે. ટીડીપીના નેતાઓનું માનવું છે કે, ગઠબંધનની ચિંતા છોડી પક્ષે પોતાના ઉપર ભાર મૂકી ચૂંટણીઓની તૈયારી શરૂ કરવી જોઈએ. વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું કે, સ્થાનીય લોકોને નાયડુ અને પક્ષમાં વિશ્વાસ છે પણ દેશના અન્ય વિપક્ષો ટીડીપીના આ વલણથી નારાજ થશે. વરિષ્ઠ નેતાઓનું મંતવ્ય હતું કે અમે આંધ્રના મુદ્દે ભાજપ સાથે ગઠબંધન તોડી સારું કર્યું જેથી બધો દોષ કેન્દ્ર ઉપર ઢોળી શકાય અને અમારી નીતિ સ્વચ્છ દેખાય કે અમે રાજ્યના હિતને મહત્ત્વ આપીએ છીએ સત્તાને નહીં.

અમિત શાહ આંધ્રના વહીવટમાં દખલ કરતાં હોવાનો ચંદ્રાબાબુનો આરોપ
(એજન્સી) વિજયવાડા, તા.ર૮
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઉપર આક્ષેપો મૂકયા છે કે એ ખોટી રીતે આંધ્રની બાબતોમાં દરમિયાનગીરી કરી રહ્યા છે. એમને આંધ્રની બાબતો માટે કશું લેવા-દેવા નથી. અમિત શાહ ભાજપના અધ્યક્ષ છે અને સાંસદ છે પણ એ અમારા રાજ્યના એવા મુદ્દાઓ વિષે મંતવ્યો આપે છે જેમ કે એ જ અમરાવતી, પોલાવરમ અને વિશેષ દરજ્જાના નાણાં આપી રહ્યા છે. એ દાવો કરે છે કે, અમે જે પ્રમાણપત્રો રજૂ કર્યા છે એ ખોટા છે. હું પૂછું છું કે અમિત શાહ કોણ થાય છે આ બાબત પ્રશ્ન પૂછવાવાળા કે પ્રમાણપત્રો ખરા છે કે ખોટા ? કયા હોદ્દાના અધિકારથી એ પ્રશ્ન પૂછી રહ્યા છે ? નાણામંત્રી, વડાપ્રધાન અથવા નીતિ આયોગ પ્રશ્ન કરી શકે છે. એમને જ અધિકાર છે. અમે એમને જવાબ આપીશું. પણ અમિત શાહને કેમ જવાબ આપીએ ? કોઈપણ અધિકારી મુદ્દે કંઈ કહેતો નથી પણ અમિત શાહ જ આ મુદ્દે નિવેદનો આપી રહ્યા છે. અમિત શાહ કેમ અમારી વહીવટી બાબતોમાં દરમિયાનગીરી કરે છે. અમે એમનો વિરોધ કરીએ છીએ. અમે ભાજપ અને અમિત શાહને આગામી ચૂંટણીમાં પાઠ ભણાવીશું.