(એજન્સી) નવી દિલ્હી, તા.૭
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ટીડીપીની એ માગણી સ્વીકારી નહીં શકાય જેમાં એ રાજ્યને વિશેષ દરજ્જો આપવા માગણી કરે છે. સરકારના આ નિર્ણય પછી ટીડીપી મક્કમતાથી ભાજપ સાથે છેડો ફાડવા વિચારી રહી છે. ટીડીપીના સાંસદ થોટા નરસિમ્હાએ કહ્યું અમારી માગણી સામે કેન્દ્ર સરકાર કોઈ પ્રતિસાદ આપતી નથી. એમણે અમારી એક પણ માગણી સામે ધ્યાન આપ્યું નથી. અમે વિશેષ દરજ્જાની માગણી કરી રહ્યા છીએ પણ સરકારે કોઈ જવાબ આપ્યો નથી. મોટાભાગના સાંસદો અને ધારાસભ્યોએ મુખ્યમંત્રી સાથે મળી પોતાના વિચારો રજૂ કર્યા છે અને ભાજપ સાથે સંબંધો તોડવા કહ્યું છે. જેથી મુખ્યમંત્રી આ બાબત વિચારી રહ્યા છે. આજે ટીડીપીના સાંસદોએ સંસદમાં વિરોધ પ્રદર્શનો કરી વિશેષ દરજ્જાની માગણી કરી હતી. સંસદના બન્ને ગૃહોમાં એમણે માગણી કરી હતી. એમને અન્ય પક્ષોનું પણ સમર્થન મળ્યું હતું જેથી સંસદની કાર્યવાહી મોકૂફ રખાઈ હતી. ટીડીપી સાંસદ નિમ્માલા ક્રિષ્ના બાએ કહ્યું અમે આંધ્ર માટે નાણાં મેળવવા પ્રયાસો કરી રહ્યા છે. પણ કેન્દ્ર સરકાર જીદ પકડી બેઠી છે. એના લીધે અમને અનુભવ થઈ રહ્યો છે કે જો અમે એનડીએ સાથે સંબંધો ચાલુ રાખીશું તો લોકો અમારી બાબત ખોટી લાગણી ધરાવશે. જેથી અમને એનડીએને છોડવી જોઈએ. અંતિમ નિર્ણય નાયડુ જ લેશે.
શિવસેના, કોંગ્રેસ પણ કૂધ્યા
ભાજપના પૂર્વ સાથી શિવસેનાએ કહ્યું અમે તમને પહેલેથી જ કહીએ છીએ. એ આજે થઈ રહ્યું છે. શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું, ભાજપ પોતાના સાથી પક્ષોનો આદર નથી કરતું. ટીડીપીને હમણાં અનુભવ થયો છે. એ વાત અમે ખૂબ લાંબા સમયથી કહી રહ્યા છીએ. ભાજપ ફકત કહેવા ખાતર કહે છે સબકા સાથ પણ જ્યારે નિર્ણય કરવાનો સમય આવે છે ત્યારે કોઈનો સાથ નથી ઈચ્છતું. એ પોતે સર્વસંમતિથી નિર્ણય કરે છે. અમારી સાથે ફકત સલાહો કરે છે પણ અમારી એક પણ વાત સ્વીકારતા નથી. દરમિયાન કોંગ્રેસ આ પ્રકારની ઘટનાઓથી પ્રસન્ન થઈ રહી છે કે એક પછી એક પક્ષ એનડીએ છોડી રહ્યો છે. કોંગ્રેસ ટીડીપી સાથે મળીને એમને આંધ્રને વિશેષ દરજ્જા માટે સમર્થન આપી રહી છે. કોંગ્રેસ રાજ્યસભા સાંસદ રેણુકા ચૌધરીએ કહ્યું ભાજપ પોતાના વચનોથી ફરી રહ્યું છે જે અમે ઈચ્છતા હતા એ જ થઈ રહ્યું છે. ભાજપ પોતાના સાથી પક્ષો સાથે કયારે પણ ઊભો રહી શકશે નહીં. એ સારી વાત છે કે ટીડીપીને હમણાં અનુભવ થઈ રહ્યો છે અને ભાજપને ઓળખ્યું છે.