(એજન્સી) ચંદીગઢ, તા.૨૭
શું જાતે બની બેઠેલા ગોડમેન ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમિત રામ-રહીમસિંહ પોતે ભગવાન કૃષ્ણનો અવતાર હોવાના બહાને પોતાની મહિલા શિષ્ય પર બળાત્કાર ગુજારતો હતો ? ફરિયાદી પક્ષના સાક્ષીઓના નિવેદનો પરથી એવું કહી શકાય કે પીડિતાઓને એવું ઠસાવવામાં આવતું હતું કે તેમની સાથે જે કઈ થયું છે તે અપરાધ નથી પરંતુ તેમના પાપોનું શુદ્ધિકરણ કરવાનું કૃત્ય છે.
ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમિત રામ-રહીમની એક પીડિતાએ સીબીઆઈ કોર્ટ સમક્ષ એવી જુબાની આપી હતી કે તેના પર ઈશ્વરના દૂત દ્વારા બળજબરીપૂર્વક બળાત્કાર કરવામાં આવતો હતો અને બળાત્કાર બાદ તેને એવું કહેવામાં આવતું હતું કે ભગવાન કૃષ્ણ પણ આવું જ વર્તન કરતા હતા.બળાત્કાર પીડિતાએ સીબીઆઈ કોર્ટ સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ડેરામાં સાધ્વી તરીકે જોડાયા બાદ તેને માફી શબ્દ અંગે ભાગ્યે જ કઈ ખબર હતી. જ્યારે તે સાથી સાધ્વીને મળતી હતી ત્યારે તેઓ તેને પૂછતા હતા કે શું ગોડમેને તેના પાપ બદલ માફી આપી છે ?
સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે ગુરમિત રામ-રહીમ પોતાની શિષ્યાઓ પર બળાત્કાર કરવાના કૃત્યને તેમના ભૂતકાળના પાપો ધોવાના કૃત્ય તરીકે ગણાવતો હતો અને એ રીતે તેમને માફ કરી દેતો હતો એ દુર્ભાગી રાત્રિએ પણ આ સાધ્વીને ગુફાની અંદર બોલાવવામાં આવી હતી. તેને ગુફામાં તેના ભૂતકાળના પાપો કબૂલવા કહેવાયંુ હતું અને તેની ભૂતકાળની ભૂલોને ધોવા માટે ગોડમેને તેના પર માત્ર બળાત્કાર જ ગુજાર્યો ન હતો પરંતુ પોતાના કૃત્યને ભગવાન કૃષ્ણના કૃત્ય જેવું ગણાવ્યું હતું ત્યારબાદ તેને જો તે આ વાત કોઈને કહેશે તો તેના ગંભીર પરિણામોની એટલે સુધી કે તેના પરિવારને સળગાવી નાખવા સુધીની ધમકી આપી હતી.