નવી દિલ્હી,તા.૧૯
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજી અને અંતિમ વન ડેમાં હાર બાદ ભારતના સૌથી સફળ કેપ્ટનમાં સામેલ મહેન્દ્રસિંહ ધોનીના ભવિષ્યને લઇ ફરી એક વખત અટકળો શરૂ થઇ હતી. ચારે તરફ ધોનીના સન્યાસ પર ચર્ચા થતી હતી. હવે ૨ દિવસ બાદ ધોનીના સંન્યાસના સમાચારની સત્યતા સામે આવી છે. ખુદ ટીમ ઇન્ડિયાના કોચ અને પૂર્વ ખેલાડી રવિ શાસ્ત્રીએ સામે આવીને ધોનીના સન્યાસના સમાચાર પર સ્પષ્ટતા કરી છે. સાથે સાથે આખી ઘટનાને લઇ નિરાશા પણ વ્યક્ત કરી છે. મહત્વપૂર્ણ છે કે ત્રીજી વન ડે અને સિરીઝ ગુમાવ્યા બાદ જ્યારે ટીમ મેદાનમાંથી ડ્રેસિંગ રૂમમાં જઇ રહી હતી ત્યારે ૩૭ વર્ષીય ધોનીએ અમ્પાયર પાસે બોલ માંગ્યો હતો. તે બાદ ધોનીના વન ડેમાંથી પણ સંન્યાસની અટકળો શરૂ થઇ હતી.
રવિ શાસ્ત્રીએ જણાવ્યુ કે, ’ધોની બોલને બોલિંગ કોચ ભરત અરૂણને બતાવવા માટે અમ્પાયર પાસેથી લઇ રહ્યો હતો. તે તેમને બોલની હાલત બતાવવા માંગતો હતો, જેનાથી અંદાજો લગાવી શકાય કે બોલની હાલત શું છે? અને ત્યા તેમની સાથે કઇ રીતે રમવુ જોઇતું હતું. રવિ શાસ્ત્રીએ ધોનીના સંન્યાસની અટકળો લગાવનારાઓને આડેહાથ પણ લીધા હતા અને કહ્યું કે, ’આ બકવાસ છે, ધોની ક્યાય નથી જવાનો’. ધોનીએ ત્રીજી વન ડે અને સિરીઝ ગુમાવ્યા બાદ પરત ફરતા સમયે અમ્પાયર પાસેથી બોલ લીધો હતો. તે બાદ અટકળો શરૂ થઇ હતી કે ધોની સંન્યાસ લઇ રહ્યો છે, કારણ કે ધોનીએ ટેસ્ટ મેચમાંથી રિટાયર્ડ થયા પહેલા પણ અંતિમ ટેસ્ટ મેચમાં કઇક આવુ જ કર્યુ હતું.ધોની માટે સંન્યાસનો મામલો હંમેશા સંવેદનશીલ રહ્યો છે, તેને એક વખત ઓસ્ટ્રેલિયન પત્રકારના સવાલના જવાબમાં સંકેત આપ્યા હતા કે તે ઓછામાં ઓછા ૨૦૧૯ના વર્લ્ડકપ સુધી તો રમશે.વન ડે સિરીઝમાં ધોનીનું પ્રદર્શન એવરેજ રહ્યું છે.