અમદાવાદ, તા.૬
સાબરકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૧૪-૧૫ દરમ્યાન આચરાયેલા બોગસ શિક્ષક ભરતી કૌભાંડ મામલે આખરે તેમાં સંડોવાયેલી ચાર શાળાઓની માન્યતા રદ કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિની બેઠકમાં મહત્વનો આકરો શિક્ષાત્મક નિર્ણય લેવામાં આવતાં શિક્ષણજગતમાં ખાસ કરીને સાબરકાંઠા અને તેની આસપાસના પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને સ્થાનિક શાળાઓમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. રાજયભરમાં ભારે ચકચાર જગાવનારા આ બોગસ શિક્ષક ભરતી કૌભાંડ મુદ્દે ઇડર પોલીસ સ્ટેશનમાં ૧, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ૧૮ અને ખેરોજ પોલીસ સ્ટેશનમાં ૧૯ શિક્ષકો અને સંચાલકો સામે પોલીસ ફરિયાદ થઇ હતી. આ કૌભાંડમાં તત્કાલીન જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી વિષ્ણુભાઈ ચૌધરી અને કચેરી અધિક્ષક જી.કે પાંડોરને સસ્પેન્ડ કરી દેવાયાં હતાં. સાબરકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૧૪-૧૫માં બોગસ શિક્ષક ભરતી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકો અને સંચાલકો સામે પોલીસ ફરિયાદ બાદ ધરપકડ થઈ હતી. શિક્ષણ વિભાગે પણ આ મામલે કાર્યવાહી શરૂ કરી હતી. તાજેતરમાં મળેલી શિક્ષણ બોર્ડની બેઠકમાં બોગસ શિક્ષકોની ભરતી કૌભાંડ કરી કરોડોનું કૌભાંડ આચરનારી મોડાસાના વડાવાસા ગઢાની વિનય મંદિર ઉત્તર બુનિયાદી હાઇસ્કૂલ, સાબરકાંઠાના ગુંદેલની સી.એસ બ્રહ્મભટ્ટ હાઇસ્કૂલ, સાબરકાંઠાના પરોયાની બી.એસ વાઘેલા અને એન.એસ. વાઘેલા સ્કૂલ તેમજ સાબરકાંઠાના નાના સેમ્બલીયાની સૌરભ વિદ્યાલયની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં વિનય મંદિર સ્કૂલે એક આચાર્ય, ચાર શિક્ષક, એક સહાયક અને એક સાથી સહાયક એમ સાત લોકોની ભરતી કરી રૂ.૩૪.૫૭ લાખ પગાર ચૂકવ્યો હતો. તો, ગુંદેલની સી.એસ બહ્મભટ્ટ સ્કૂલે સાત કર્મચારીઓની ભરતી કરી રૂ.૨૨.૧૧ લાખ પગાર ચૂકવ્યો હતો, જયારે પરોયાની બી.એસ વાઘેલા અને એન.એચ વાઘેલા સ્કૂલે આઠ કર્મચારીઓની ભરતી કરી રૂ. ૨૧.૨૫ લાખ પગાર અને નાના સેમ્બલીયાની સૌરભ સ્કૂલે ૧૬ શિક્ષક, એક આચાર્ય અને એક કારકુન એમ ૧૮ લોકોની ભરતી કરી રૂ.૧.૫૩ કરોડનો પગાર ચૂકવ્યો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી, જેને પગલે શિક્ષણ બોર્ડ દ્વારા આ ગંભીર અને સબક સમાન શિક્ષાત્મક નિર્ણય લઇ ઉપરોકત ચારેય શાળાઓની માન્યતા રદ કરી દેવાઇ હતી.