(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
વરાછામાં આવેલી આશાદીપ વિદ્યાલય-૧માં શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ગતરોજના રોજ માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો રોષ રાખીને વાલીઓ આજરોજ શાળાએ પહોંચી ગયા હતા અને માર મારનાર સહિત અન્ય શિક્ષકોને માર માર્યો હતો. આખરે શાળાના સંચાલકો દ્વારા માર મારનાર શિક્ષકને સસ્પેન્ડ કરી દઈને સમાધાન કરી લેવામાં આવ્યું હતું. પરંતુ શાળામાં ઘુસીને શિક્ષકોને માર મારવાના કેસમાં શિક્ષકો દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.સ્કૂલના સંચાલકોએ જણાવ્યું હતું કે, વાલીઓએ શાળા પરિસરમાં ઘુસીને શિક્ષકોને માર માર્યો છે. જેથી જે શિક્ષકોને માર પડ્‌યો છે તે શિક્ષકો દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.ગતરોજ આશાદીપ વિદ્યાલયમાં ધોરણ ૧૨ના વિદ્યાર્થીને લોબીમાં માર મારવામાં આવ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા વાલીઓ શાળાએ પહોંચી ગયા અને હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.