ગાંધીનગર,તા.૧૩
રાજ્યના ગ્રાન્ટેડ શાળા કર્મચારીઓ સાથે થયેલા અન્યાયના મામલે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ આક્રમક બની રહ્યું છે. શિક્ષણ સહાયકોને ઓછો પગાર વધારો, સળંગ નોકરી તથા સાતમાં પગારપંચના તફાવતના હપતા અંગેની રજૂઆતો બાદ પણ કોઈ નક્કર પરિણામ ન આવતા તાજેતરમાં મહામંડળની કારોબારી બેઠક મળી હતી. જેમાં સરકારને આ તમામ માગણીઓના નિરાકરણ માટે શિક્ષક દિન એટલે કે, ૫ સપ્ટેમ્બર સુધીની મુદત અપાઈ છે. જો, શિક્ષક દિન સુધીમાં આ માગણીઓ ન સ્વીકારાય તો ૧૬ સપ્ટેમ્બરે શિક્ષણ સહાયકોના પ્રશ્ને મહામંડળના સભ્યો એવા શિક્ષકો મુંડન કરાવશે. ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકોને સરકારી શાળાના શિક્ષણ સહાયકો કરતા રૂપિયા ૬ હજારથી માંડીને રૂપિયા ૧૨ હજારનો ઓછો વધારો અપાયો છે. આમ, શિક્ષણજગતના ઇતિહાસમાં ૨૬ વર્ષમાં પ્રથમ વખત ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ વચ્ચે ભેદ પાડવામાં આવ્યો છે. ફિક્સ પગારની નોકરી ઉચ્ચતર પગાર તેમ જ નિવૃત્તિ વિષયક લાભ માટે ૨૦૦૬ પછી સરકારી કર્મચારીની સળંગ ગણી જ્યારે ફિક્સ પગારની યોજનાના પાયામાં રહેલા ગ્રાન્ટેડ શાળાના શિક્ષક સહાયકની નોકરી ૨-૭-૧૯૯૯થી સળંગ ગણી નથી.
સરકારી કર્મચારીઓને બે વર્ષ પહેલા અગાઉ સાતમુ પગારપંચ આપ્યું હતું. અને તફાવત ત્રણ હપ્તામાં અપાયો હતો. જ્યારે ગ્રાન્ટેડ શાળાના ૬૦ હજાર કરતા વધુ શિક્ષકો, આચાર્યો, વહીવટી કર્મચારીઓને સરકારી કર્મચારી કરતા એક વર્ષ મોડો લાભ અપાયો હતો. તફાવત તો હજુ અપાયો નથી. જે ત્રણ હપ્તામાં આપવા અંગેની માગ ઘણા લાંબા સમયથી ઉકેલાઈ નથી. આ તમામ પ્રશ્ર્‌નનો લઈને તાજેતરમાં ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની કારોબારી સમિતિની બેઠક મળી હતી.