(એજન્સી) લખનૌ, તા.રપ
લખનૌ વિધાનસભા સામે એક શિક્ષિકાએ આત્મદહનનો પ્રયાસ કરતા હોબાળો થયો હતો. મહિલા પોતાના પર બળતણ છાંટીને આગ ચાંપે તે પહેલાં ઘટનાસ્થળે હાજર મહિલા પોલીસકર્મીઓએ તેણીને રોકી હતી. શિક્ષિકાએ આચાર્ય પર છેડતીનો આરોપ મૂક્યો છે. આ સાથે પીડિતાએ કૈસરબાગ પોલીસ પર આ મુદ્દે કાર્યવાહી ન કરી આરોપીને બચાવવાનો પણ આરોપ મૂક્યો છે. પીડિતાનું કહેવું છે કે છેડછાડ કરનાર આરોપી હજુ પણ તેને ધમકી આપે છે.
પોલીસે જણાવ્યા મુજબ સવારે લગભગ ૧૧ વાગ્યે રશ્મિ નામની મહિલા વિધાનસભા પાસે પહોંચી પોતાના પર કેરોસીન છાંટવા લાગી. આ જોઈને લોકોમાં હડકંપ મચી ગયો હતો. ઘટના સ્થળે હાજર ઈન્સ્પેક્ટર રમેશ યાદવે મહિલા કોન્સ્ટેબલની મદદથી મહિલાને શાંત કરાવી.
મહિલાએ જણાવ્યું કે, મોડલ હાઉસ સરસ્વતી શિશુ મંદિરના આચાર્ય વિનોદ અવસ્થી વિરૂદ્ધ તેણીએ છેડછાડનો ગુનો નોંધાવ્યો હતો પરંતુ આરોપી જામીન પર મુક્ત થઈ ગયો અને તેણીને ધમકીઓ આપવા માંડ્યો. જ્યારે આ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવાના બદલે તેણીના પતિ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી. જ્યારે આ મુદ્દે પોલીસનું કહેવું છે કે બંને પક્ષોએ એફઆઈઆર દાખલ કરી હતી પરંતુ તપાસ બાદ તે બંને ખોટા આરોપો સાબિત થતા કેસ બંધ કરવામાં આવ્યો.