નવી દિલ્હી, તા.૧૪
કોહલીના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો હવે નેશનલ ડયુટી દરમ્યાન ઈકોનોમી ક્લાસના બદલે બિઝનેસ ક્લાસમાં વિમાની પ્રવાસ કરશે આ મુદ્દે ખેલાડીઓએ બીસીસીઆઈને અપીલ કરી હતી જેનો ક્રિકેટ બોર્ડે સ્વીકાર કરી લીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓએ બોર્ડને ઈકોનોમી ક્લાસમાં સફર કર્યાને લઈ ફરિયાદ કરી હતી. અમુક ખેલાડીઓએ સેલ્ફીના આગ્રહના પગલે આ દરમ્યાન પોતાને ભીડથી ઘેરાઈ જવાનો હવાલો આપ્યો હતો બીજી બાજુ અમુક લાંબા કદના ખેલાડીઓની ફરિયાદ હતી કે, તે ઈકોનોમી ક્લાસમાં આરામથી બેસી શકતા નથી બીસીસીઆઈના કાર્યકારી અધ્યક્ષ સીકે ખન્નાએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુકત સીઓએની દિલ્હીમાં તાજેતરમાં થયેલ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવાઈ છે. પ્લેયર્સની ઘરેલું ફ્લાઈટ માટે બિઝનેસ ક્લાસમાં પ્રવાસના પ્રસ્તાવનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.