(એજન્સી) તિરૂવનંતપુરમ, તા. ૨૦
કેરળમાં સદીના સૌથી ભયંકર પૂરે સેંકડો લોકોનો ભોગ લીધો છે અને લાખો લોકો ઘરવિહોણા બની ગયા છે. રાહત અને બચાવ કામગીરી કરી રહેલી અસંખ્ય ટીમો પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા અને રાજ્યની પ્રત્યેક વ્યક્તિ સુધી ખોરાક, પીવાનું પાણી તેમ જ દવાઓ પહોંચાડવા માટે અખૂટ શક્તિ અને ઉત્સાહપૂર્વક કામગીરી કરી રહી છે. સમગ્ર વિશ્વમાંથી કેરળમાં સહાય આવી રહી છે પરંતુ પૂરગ્રસ્ત કેરળને આહાર અને કપડાંની જરૂર નથી, રાજ્યના પુનઃનિર્માણ અને નવેસરથી પુનઃબેઠું કરવા માટે ટેકનિકલ સહાયની જરૂર હોવાનું કેન્દ્રીય પ્રધાન કેજે અલ્ફોન્સે જણાવ્યું છે.
– દક્ષિણ રાજ્યમાં આ ચોમાસામાં વિનાશક પૂરમાં લગભાગ ૪૦૦ લોકો માર્યા ગયા છે અન ૨૦,૦૦૦ કરોડથી વધુનું નુકસાન થયું છે. છેલ્લા બે સપ્તાહામાં ભારે વરસાદ અને ભયંકર પૂરે ભારે તારાજી સર્જી છે અને જાન-માલની ભારે ખુવારી સર્જાઇ છે.
– વડાપ્રધાને કેરળની મુલાકાત લઇને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. તેમણે રાજ્યને તાકીદની ૫૦૦ કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે અને રાજ્યના પુનઃનિર્માણ માટે જરૂરી બધી સહાયનું વચન આપ્યું છે. અગાઉ, ગૃહ પ્રધાન રાજનાથસિંહ અને કિરણ રિજિજુએ રાજ્ય માટે અનુક્રમે ૧૦૦ કરોડ અને ૮૦ કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી છે. એટલે નાણાની કોઇ સમસ્યા નથી, એવું કેન્દ્રીય પ્રધાને જણાવ્યું છે.
– લગભગ ૧૦ લાખ લોકો રાહત છાવણીઓમાં આશ્રય લઇ રહ્યા છે. જિલ્લા કલેક્ટર્સ દ્વાર બધા પુરવઠા પુરા પાડવામાં આવી રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે અમને આહાર અને કપડાંની જરૂર નથી ભારત સરકાર દ્વારા પુષ્કળ પ્રમાણમાં આહાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.
– આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે પૂરગ્રસ્ત કેરળમાં હજીસુધી રોગચાળો ફાટી નીકળ્યો નથી પરંતુ કેન્દ્રે સમગ્ર કેરળમાં આશરે ૩૭૦૦ મેડિકલ કેમ્પ શરૂ કર્યા છે.
– આલ્ફોન્સે જણાવ્યું કે બધું જ વ્યવસ્થિત ચાલી રહ્યું છે અને બધા કેન્દ્રીય દળો અદભૂત સેવાઓ પુરી પાડી રહ્યા છે. પૂરગ્રસ્તોને રાહત અને બચાવ કામગીરીમાં માછીમારો પણ સૌથી મોટા હીરો બની ગયા છે. પૂરગ્રસ્તો માટે સહાય મોકલવા અને દયા તેમ જ સહાનુભૂતિ દર્શાવવા બદલ અમે ભારત અને અન્ય દેશોના લોકોનો આભાર માનીએ છીએ પરંતુ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણી ઓસરી રહ્યા છે ત્યારે અમને ટેકનિકલ સહાયની જરૂર છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી કે મોબાઇલ કનેક્ટિવિટી નથી. હજારો મકાનો ધ્વસ્ત કે તારાજ થઇ ગયા છે. કેરળમાં અમને હજારો ઇલેક્ટ્રિશિયન, સુધારો, પ્લમ્બર્સની ભારે જરૂર છે. હવે કેરળમાં પુનઃનિર્માણ અને રાજ્યને પુનઃબેઠું કરવાનો સૌથી મોટો પડકાર છે. સામાન્ય જનજીવન પુનઃધબકતું કરવા માટે ટેકનિકલ સ્કિલ્સ ધરાવતા લોકોની અમને જરૂર છે.
– કેરળમાં ૮મીથી ૧૫મી ઓગસ્ટ દરમિયાન સામાન્ય કરતા ૨૫૦ ટકા વધુ વરસાદ પડ્યો હોવાથી રાજ્યના સત્તાવાળાઓને ૩૫ ડેમ ઓવરફ્લો થઇ જવાને કારણે આ ડેમોમાંથી પાણી છોડવાની ફરજ પડી હતી.
– પમ્બાનદી કાંઠે આવેલા ચેંગન્નુરમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ છે. ચેગન્નુરના પાંચ ગામોમાં ઓછામાં ઓછા એક હજાર લોકો હજી પણ ફસાયેલા છે.
– સ્થાનિક તહેવારોને કારણે વેપારીઓએ જંગી સ્ટોક કર્યો હોવાથી રાજ્યમાં ખોરાકની કોઇ અછત નહીં હોવાનું કેરળના મુખ્યપ્રધાન પી.વિજયને જણાવ્યું છે. જોકે, રાજ્યમાં પરિવહનની સમસ્યા છે. આ કુદરતી આપત્તિને પહોંચીવળવાના પ્રયાસોમાં કેન્દ્ર સરકાર અને લોકોએ પુરતો સહકાર આપ્યો છે.
– દરિયાકાંઠાના રાજ્યમાં વરસાદનું જોર ઓછું થઇ જવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. નેવીએ નાના યાત્રી વિમાનો માટે તેની એરસ્ટ્રીપ ખોલી દીધી હોવાથી સોમવારે કોચીમાં પણ કોમર્શિયલ ફ્લાઇટ ઓપરેશન શરૂ થઇ ગયું છે. આઇએનએસ ગરુડ નવલ એર સ્ટેશન પર સોમવારે વહેલી સવારે એલાયન્‌સ એર એટીઆરની પ્રથમ ફ્લાઇટે ઉતરાણ કર્યું હતું. કોચી એરપોર્ટ ૨૬મી ઓગસ્ટ સુધી બંધ રહેશે.

પૂરગ્રસ્ત કેરળમાં ૧૦ લાખ લોકો છાવણીઓમાં,
કોચી નવલ બેઝથી ફ્લાઇટ ઓપરેશન ચાલુ

(એજન્સી) તિરૂવનંતપુરમ, તા. ૨૦
કેરળમાં સદીના સૌથી વિનાશક પૂરમાં લગભગ ૪૦૦ લોકો માર્યા ગયા બાદ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણી ઓસરી રહ્યાં હોવાથી સત્ત્વાળાઓએે હવે રાજ્યમાં રોગચાળો ફેલાતા અટકાવવા અને તેને પહોંચીવળવા તરફ પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. બચાવ કામગીરી પણ તેના અંતિમ તબક્કાએ પહોંચી ગઇ છે. પૂરગ્રસ્તો માટે રાજ્યમાં ઉભી કરવામાં આવેલી આશરે ૬૦૦૦ રાહત છાવણીઓમાં ૧૦ લાખથી વધુ લોકો આશ્રય લઇ રહ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન પી.વિજયને જણાવ્યું કે સોમવાર સાંજ સુધીમાં રેસ્ક્યુ ઓપરેશન પુરા થવાની સંભાવના છે. હવે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સામાન્ય જનજીવન પુનઃધબકતું કરવાની ટોચની પ્રાથમિકતા છે. રાહત અને બચાવ કામગીરીમાં રાજ્ય પ્રશાસન, સશસ્ત્ર અને અર્ધ-લશ્કરી દળો અને સ્વયંસેવકોએ મહત્વની ભૂમિકા ભજવી છે. કોચીમાં ભારતીય નૌકાદળના એર સ્ટેશન આઇએનએસ ગરૂડ ખાતે સોમવારે સવારે પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટે ઉતરાણ કર્યું છે. જ્યારે ઘણા વિસ્તારોમાં ટ્રેન સેવાઓ પણ ફરી શરૂ થઇ ગઇ છે. સોમવાર સાંજથી તિરૂવનંતપુરમ અને કોચીથી લાંબા અંતરની ટ્રેનો પણ શરૂ થઇ જશે. ચેંગન્નુરના ઘણા વિસ્તારો હજીપણ જળબંબાકાર હોવાથી ત્યાં સોમવારે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહ્યું હતું. ઘણાં લોકો હજીપણ પૂરના પાણીમાં ફસાયેલા છે અને તેમને શોધીને બચાવવાના પ્રયાસો ચાલુ છે. દરમિયાન, રાજ્યના વિભિન્ન પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી ઓછામાં ઓછા આઠ મૃતદેહ મળી આયા છે. પૂરના પાણી ઓસરતા મૃત ઢોર ભેગા કરવા અને તેનો નિકાલ કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. રોગચાળો ફાટી નીકળતા અટકાવવા માટે કડક ગાઇડલાઇન્સ સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ ઘણા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફેલાઇ ગયા છે. યુદ્ધના ધોરણે સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી છે. કેરળમાં ૩૭૫૭ મેડિકલ કેમ્પ શરૂ કરાયા છે.

આગામી દસ વર્ષમાં આપત્તિઓ વિનાશ નોંતરશે ૧૬ હજાર મોત અને ૪૭ હજાર કરોડનું નુકસાન થઈ શકે : NDMA

નવી દિલ્હી,તા.૨૦
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)એ આગામી ૧૦ વર્ષોમાં ભારે વરસાદ અને પ્રચંડ પૂરથી થનારા ખતરનાક વિનાશનું અનુમાન લગાવ્યું છે. જેના આંકડા બહુ ચોંકાવનારા છે. એનડીએમએનું અનુમાન છે કે, આગામી ૧૦ વર્ષ દરમિયાન દેશભરમાં પૂરના કારણે ૧૬ હજાર લોકોનાં મોત નીપજશે અને ૪૭ હજાર કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ બરબાદ થઈ જશે. સરકારનું તમામ ધ્યાન આપત્તિના ખતરામાં ઘટાડો કરવા અને બચાવ કામગીરી કરવા પર જ કેન્દ્રીત છે. ભારત પાસે ઘણા આધુનિક સેટેલાઈટ અને પૂર્વ ચેતવણી પ્રણાલી છે, જેની મદદથી હવામાન અને આવનારી આપત્તિનું પૂર્વાનુમાન લગાવી શકાય છે. જેનાથી આ પ્રકારની કુદરતી હોનારત વખતે લોકોનાં મોતનો આંકડો ઘણો ઘટાડી શકાય છે. આમ છતાં પણ આ તમામ કવાયત કાગળ પર જ સારી લાગે છે, હકીકતમાં જ્યારે કુદરતી હોનારત થાય ત્યારે સરકાર અને તંત્ર મજબૂર બની જાય છે. આ વાતનો તાજો દાખલો કેરળમાં થયેલો ભારે વરસાદ અને વિનાશક પૂર છે. જ્યારે પણ કોઈ કુદરતી હોનારત થાય ત્યારે એનડીએમએ મોટાભાગે ગાઈડલાઈન્સ જારી કરવા, સેમિનાર અને બેઠકનાં આયોજન સુધી જ સીમિત રહે છે. ગૃહમંત્રાલયે હાલમાં જ દેશના ૬૪૦ જિલ્લામાં કુદરતી હોનારતના ખતરા અંગે એક સર્વેક્ષણ હાથ ધર્યું હતું. ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (ડીડીઆર) હેઠળ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિતપ્રદેશોના પ્રદર્શનના આધારે એક નેશનલ રિજિલ્યન્સ ઈન્ડેક્સ (એનઆરઆઈ) તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં જોખમનું અનુમાન અને વિશ્લેષણ, કુદરતી હોનારતોના બદલતા જટિલ સ્વરૂપ અને તેનાથી કઈ રીતે બચવું અને લોકોને રાહત આપવી જેવા માપદંડો સામેલ કરવામાં આવ્યા છે. આ સર્વેક્ષણ અનુસાર આપણે હાલ પ્રારંભિક તબક્કામાં છીએ અને કુદરતી આપત્તિઓ સામે લડવામાં આપણું સ્તર ઘણું પછાત છે. આ બાબતમાં હજુ ઘણા સુધારા કરવાની જરૂર છે.
એનડીએમએના રિપોર્ટમાં જણાવાયું છે કે, હિમાચલ પ્રદેશને બાદ કરતાં કોઈ પણ રાજ્યએ વિસ્તૃતરૂપે કુદરતી આપત્તિ કે હોનારતનું અનુમાન લગાવ્યું નથી કે આ દિશામાં કોઈ અભ્યાસ પણ કર્યો નથી. આ ઉપરાંત આ પડકારજનક કાર્યમાં કોઈ પ્રોફેશનલ એજન્સીની મદદ પણ લેવામાં આવી નથી.