અમદાવાદ, તા.પ
આજના ટેકનોલોજીના યુગમાં સાયબર ક્રાઈમ ખૂબ જ પદ્ધતિસર રીતે થાય છે. જેને અટકાવવા આપણે સજાગ થવું અતિ આવશ્યક છે. દેશના નાગરિકોને તમામ ક્ષેત્રે સુરક્ષા આપવી, આપણા સૌની જવાબદારી છે. એડવાન્સ ટેકનોલોજીના ઉપયોગથી સાયબર ક્રાઈમથી બચી શકાય. સાયબર ક્રાઈમ ઉપર નિયંત્રણ લાવવા માટે સંશોધન ખૂબ જ જરૂરી છે. સાયબર ક્રાઈમ અટકાવવા અંગે વ્યક્તિગત કાળજી અને સાવચેતી રાખવી પડશે. આજની આ બે દિવસીય વૈશ્વિક કોન્ફરન્સ સાયબર ગુનાઓ અટકાવવા અને સંશોધન ક્ષેત્રે નવા કીર્તિમાન પ્રસ્થાપિત કરશે તેમ આજે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે ઈન્ફોર્સકોન-ર૦૧૭-ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ફોરેન્સિક સાયન્સીસ એન્ડ સાયબર સિક્યોરિટીનો શુભારંભ કરાવતા હાઈકોર્ટના જજ એમ.આર.શાહે જણાવ્યું હતું. જજ શાહે વધુમાં જણાવ્યું હતું કે ડીએનએ અને ટેકનોલોજીના સમન્વયથી ગંભીર ખૂન કેસો ઉકેલી શકાય છે. યોગ્ય તપાસ પછી ચોક્કસ પુરાવા રજૂ કરવાથી ઝડપી ચુકાદો-ન્યાય આપી શકાય છે. સાયબર ક્રાઈમ અંગેના જ્ઞાનની આ બે દિવસીય કોન્ફરન્સમાં એકબીજા સાથે આપ-લે કરવાની પણ જજ શાહે ઉપસ્થિત સૌ સાયબર ક્ષેત્રના તજજ્ઞોને અનુરોધ કરીને આ કોન્ફરન્સને સફળ બનાવવા શુભેચ્છાઓ આપી હતી. મુખ્ય સચિવ ડો.જે.એન. સિંઘે આજની આ સાયબર સિક્યોરિટી અંગેની કોન્ફરન્સને ગ્લોબલ કોન્ફરન્સ ગણાવી કહ્યું હતું કે, એડવાન્સ ટેકનોલોજીના ઉપયોગથી સાયબર સિક્યોરિટી વધુ મજબૂત બનાવી સાયબર ક્રાઈમને અટકાવી શકાય. ડિજિટલ ઈન્ડિયાને બળ આપવા આજે ઓનલાઈન ખરીદીનો વ્યાપ ખૂબ જ વધ્યો છે ત્યારે સાયબર સુરક્ષા અતિ મહત્ત્વની છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ હવે સબસિડી જેવા લાભો સીધા જ લાભાર્થીઓના ખાતામાં જમા કરે છે. નાણાકીય વ્યવહારની સાથે સાથે આજે યુવાનો અને બાળકોમાં બ્લ્યુ વ્હેલ જેવી રમતોના કારણે સમાજ અને આપણી સામે પડકારો વધ્યા છે. જેની સામે સુરક્ષાની સાથે જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. માત્ર નાણાકીય વ્યવહારો જ નહિં પણ સુરક્ષા એજન્સી સામે “લોન વુલ્ફ”ની નવી મોડ્‌સ ઓપરેન્ડીથી આતંકી હુમલામાં વધારો થયો છે. આ “લોન વુલ્ફ”નો અગાઉ કોઈ ક્રાઈમ રેકોર્ડ હોતો નથી. જેને સમજવા સુરક્ષા તંત્રને ટેકનોલોજીથી સજ્જ કરવું આવશ્યક છે, તેમ પણ સિંઘે ઉમેર્યું હતું. રાજ્યની એફએસયુ જેવી વૈશ્વિક સંસ્થાએ સાયબર ક્રાઈમના પાસાઓ અને સિક્યોરિટી ક્ષેત્રે ખૂબ જ સંશોધન કર્યું છે. આ બે દિવસની સાયબર સિક્યોરિટી કોન્ફરન્સ સાયબર સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વની સાબિત થશે તેમ અધિક મુખ્ય સચિવ એમ.એસ.ડાગુરે જણાવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે રાજ્યના પ્રથમ “સાયબર ડિફેન્સ સેન્ટર”નો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો. જજ એમ.આર.શાહ, ડો.જે.એન.સિંઘ સહિત ઉપસ્થિત મહેમાનોના હસ્તે સાયબર અંગેના “વૈશ્વિક સોવિનિયર”નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાયબર સુરક્ષા અંગેના સેમિનારમાં યુ.એસ.એ. અને નેપાળ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોમાંથી ૬૦૦થી વધુ સાયબર તજજ્ઞો, પોલીસ અધિકારીઓ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.