(એજન્સી) ટેક્સાસ, તા. ૬
ટેક્સાસના ચર્ચમાં થયેલી ગોળીબારીની ઘટના પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે ટેક્સાસ ગોળીબારી ‘માનસિક તંદુરસ્તી’નો મુદ્દો, ગન કન્ટ્રોલનો નહીં. ટ્રમ્પ હાલમાં જાપાનની મુલાકાતે છે. ટોકિયોમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોના સવાલનો જવાબ આપતાં ટ્રમ્પે કહ્યું કે પ્રાથમિક અહેવાલ અનુસાર, હુમલાખોર આડે રસ્તે ચડી ગયેલો વ્યક્તિ છે, તે માનસિક રીતે બીમાર છે. તેમણે કહ્યું કે બીજા દેશોની જેમ અમારા દેશમાં પણ માનસિક આરોગ્યની ઘણી બધી સમસ્યાઓ છે. પરંતુ ગનની પરિસ્થિતિ નથી. સદનસીબે કોઈની પાસે એવી ગન છે જે વિપરીત દિશામાં ગોળીબારી કરી રહી છે. આ એક માનસિક આરોગ્યની સમસ્યા છે આ એક અતિ, અતિ દુખદ ઘટના છે. અમેરિકાના સદરલેન્ડ સ્પ્રિંગમાં રવિવારે સવારે ૧૧.૩૦ વાગે ભારતીય સમયાનુસાર રાતના લગભગ ૧૨ વાગ્યે એક બંદૂકધારીએ ચર્ચમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલામાં ૨૭ લોકો માર્યાં ગયા જ્યારે ૨૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટ્રમ્પ પાંચ એશિયન દેશોની ૧૨ દિવસની યાત્રાએ છે જેથી શરૂઆત તેમણે જાપાનથી કરી છે.