(એજન્સી) વારાણસી, તા.૨૯
વારાણસી લોકસભા બેઠક ઉપરથી પહેલા અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવનારા બોર્ડર સિકયુરિટી ફોર્સ (બીએસએફ)ના પૂર્વ જવાન તેજ બહાદુર હવે સમાજવાદી પક્ષ (એસપી) તરફથી વડાપ્રધાન મોદી વિરુદ્ધ ચૂંટણીમાં ઝંપલાવશે. સોમવારે સમાજવાદી પાર્ટીએ આ ચોંકાવનારી જાહેરાત કરતા કહ્યું હતું કે, પાર્ટી અગાઉ ઘોષિત ઉમેદવાર શાલિની યાદવના સ્થાને તેજબહાદુરને અહીંથી ચૂંટણી મેદાનમાં ઉતારી રહી છે. ઉલ્લેખનીય છે કે, તેજ બહાદુરે અગાઉ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. આપ સહુને યાદ હશે જ કે, સુરક્ષા દળોને મળતા હલકી ગુણવત્તાના ભોજન સંદર્ભે તેજ બહાદુરે ફરિયાદ કરી હતી. કહેવાય છે કે આ મુદ્દે ૨૦૧૭માં બીએસએફના આ કોન્સ્ટેબલને બરતરફ કરી દેવામાં આવ્યા હતા. સોશ્યિલ મીડિયાના માધ્યમથી ફેસબુક મારફત એક વિડિઓ બનાવીને તેજ બહાદુરે હલકી ગુણવત્તાનું ભોજન પીરસાતું હોવા અંગે જણાવ્યું હતું આ પૂર્વે સપા-બસપાએ સંયુક્ત ઉમેદવાર તરીકે વારાણસી ખાતેથી શાલિની યાદવને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. શાલિની યાદવને એક નબળા ઉમેદવાર ગણવામાં આવતા હતા અને રાજકીય રીતે પણ તેમની બહુ મોટી ઓળખ નથી. ૨૦૧૭માં તેઓ વારાણસી કોંગ્રેસ તરફથી મેયરની ચૂંટણી લડ્યા હતા પરંતુ હાર્યા હતા. શાલિની યાદવ રાજ્યસભાના પૂર્વ ઉપસભાપતિ શ્યામ લાલ યાદવની પુત્રી છે.