(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, મહાગઠબંધનમાં બધું વ્યવસ્થિત છે. હોળી બાદ બેઠકોની વહેંચણી અંગે જાહેરાત કરવામાં આવશે. તેજસ્વી યાદવે કહ્યું કે, મહાગઠબંધન એકજૂથ છે અને ચિંતાનો કોઈ વિષય નથી. બીજીતરફ જનતા દળના અધ્યક્ષ શરદ યાદવે કહ્યું કે, મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈ રર માર્ચના રોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવશે.
આ પહેલા મહાગઠબંધનના મુખ્ય પક્ષો, રાજદ અને કોંગ્રેસ વચ્ચે મતભેદના અહેવાલ હતા કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની ટેલિફોનિક વાતચીત બાદ ઉકેલાયા છે. ઉલ્લેખનીય છે કે, ગઠબંધનમાં તણાવને લઈને તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં છે. રાહુલ ગાંધી સાથે મુલાકાત પહેલાં તેઓ કોંગ્રેસ નેતા અહમદ પટેલ, બિહાર પ્રભારી શક્તિસિંહ ગોહિલ, લોજદ અધ્યક્ષ શરદ યાદવ સાથે વાતચીત કરી ચૂક્યા છે. હવે બિહાર મહાગઠબંધન વચ્ચે બેઠકોની ફાળવણી મુદ્દે વિવાદ શમ્યો છે.