(એજન્સી) પટના, તા. ૯
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે એક ઇન્ટરવ્યુ દરમિયાન ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, તેઓ ભાજપના સાથીઓ આઇટી, ઇડી અને સીબીઆઇથી ડરતા નથી. તેમણે કહ્યું કે, ભાજપ હાલ કાખ-ઘોડી પર ચાલી રહ્યું છે. મોદી મેજીક હવે લુપ્ત થઇ રહ્યો છે. તેઓ એક બાદ એક પેટાચૂંટણીઓ હારી રહ્યા છે. તેઓ બહુમતીમાંથી હવે લઘુમતીમાં આવી રહ્યા છે. ભાજપ અને જીડીયુ તેજસ્વી યાદવને હરાવવા માટે એક થયા હતા. જો કે, પંરપરાગત રીતે આરજેડીની બેઠકો ન હોવા છતાં આ ગઠબંધનનો તેની સામે પરાજય થયો હતો. જો કે, તેજસ્વીએ કહ્યું કે, અમે કોઇપણ ચૂંટણી હળવાશથી લેવા માંગતા નથી. આ તો એક ટ્રેલર છે અને ફિલ્મ તો હજુ બાકી છે. ભાજપ અને વડાપ્રધાન મોદી વિરૂદ્ધ બોલતા તેજસ્વીએ કહ્યું કે, જ્યારે મોદી બિહારમાં આવ્યા ત્યારે તેઓએ રાજ્યની કિંમત નક્કી કરવાનો પ્રયાસ કર્યો હતો, ભાજપ કોર્પોરેટ સ્ટાઇલનું રાજકારણ રમવાનું ષડયંત્ર કરે છે. તમે આંબેડકરના નામે મૂર્તિઓ અને મ્યુઝિયમ અર્પણ કરી દલિતોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છો. ભાજપ દેશ પર ‘નાગપુરિયા’ કાયદો થોપવા માંગી રહ્યો છે. આ વખતે બિહારમાં ગાંધી અને આંબેડકરની વિચારધારા વિરૂદ્ધ ગોડસે અને ગોલવાલકર વિચારધારાની લડાઇ છે. ઉત્તરપ્રદેશ વિશે પૂછતા તેમણે કહ્યું કે, અખિલેશ અને માયાવતીની જોડી ભાજપને હરાવી દેશે પરંતુ બિહારમાં કોંગ્રેસનો પનો ટુંકો હોવાથી ભાજપ-જેડીયુ સામે ખરાખરીનો જંગ રહે તેવી સંભાવના છે તેમ તેજસ્વીએ જણાવ્યું હતું.