(એજન્સી) તા.ર૮
બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આર.જે.ડી. નેતા તેજસ્વી યાદવે બિહારના હાલના ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદી પર આક્ષેપ લગાવ્યો હતો કે ૧પ૦૦ કોડ રૂપિયાના સૃજન કૌભાંડમાં તેમના પરિવારની સંડોવણી છે. આ આક્ષેપના પુરાવા રૂપે તેજસ્વીએ સુશીલ મોદીની બહેન રેખા મોદી અને ભત્રીજી ઉર્વશી મોદીના બેન્ક સ્ટેટમેન્ટ ફેસબુક પર પોસ્ટ કર્યા હતાં. આર.જે.ડી. નેતાએ લખ્યું હતું કે બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીની બહેન રેખા મોદી અને ભત્રીજી ઉર્વશી મોદીએ સૃજન કૌભાંડમાંથી કરોડો રૂપિયા મેળવ્યા છે. અહીં સૃજનના બેન્ક સ્ટેટમેન્ટ છે જે સાબિત કરે છે કે સુશીલ મોદી અને નીતિશકુમાર રપ૦૦ કરોડ રૂપિયામાં સીધા સંડોવાયેલા છે પરંતુ સીબીઆઈ તેમનું નામ પણ નથી લેતી અને તેમની પૂછપરછ પણ નથી કરતી. શા માટે ? તેજસ્વી યાદવે કહ્યું હતું કે સૃજન કૌભાંડ ઉપમુખ્યમંત્રી અને નાણાંમંત્રી સુશીલકુમાર મોદીના માર્ગદર્શન હેઠળ થયુ હતું અને તેજસ્વીએ પ્રશ્ન કર્યો હતો કે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ આર.બી.આઈ. અને નાણામંત્રાલયની ફરિયાદને આધારે પગલા કેમ લીધા ન હતાં ? હું પુરાવાઓ આપી રહ્યો છું કે મુખ્યમંત્રી નીતિશકુમાર સૃજન કૌભાંડની ગેરરીતિઓ વિશે જાણતાં હતા પરંતુ તેમણે આંખ આડા કાન કરી કૌભાંડને ધ્યાનમાં લીધુ ન હતું અને રાજ્યની તિજોરીમાંથી થતી ઉઘાડી લૂંટને પરવાનગી આપી દીધી. આ લૂંટમાં તેમની પાર્ટીના નેતાઓની સીધી સંડોવણી છે. તેજસ્વી યાદવના આ બધા આક્ષેપો સામે ભાજપના કદાવર નેતા સુશીલ મોદીએ મૌન સેવી લીધું છે.