(એજન્સી) પટના, તા.રપ
બિહારના મુઝફ્ફરપુરમાં બાલિકા ગૃહ નામના નારી સંરક્ષણ કેન્દ્રમાં નિર્દોષ કિશોરીઓ સાથે યૌન શોષણ અને હત્યા મુદ્દે રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે ફરી એકવાર મુખ્યમંત્રી નીતિશકુમાર અને તેમની સરકારને આડે હાથ લીધા છે. નીતિશકુમાર સરકારે આ મુદ્દે સીબીઆઈ તપાસની મંજૂરી ન આપવા તેમના પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. તેજસ્વી યાદવે દાવો કર્યો કે હવસખોર બળાત્કારી મુખ્યમંત્રી નીતિશકુમારના પ્રિય છે, આંખોના તારા છે. સુશીલ મોદીનો પ્રિય છે ત્યારે જ તો નીતિશકુમાર હાઈકોર્ટ સંચાલિત સીબીઆઈ તપાસની મંજૂરી નથી આપી રહી. તેમણે જણાવ્યું કે, બાલિકાગૃહ બળાત્કાર કાંડની પરિસ્થિતિ અને કાર્યવાહીની તપાસ કરવા તેઓ મુઝફ્ફપુર જશે. સાથે તેમણે પ્રશ્ન કર્યા હતા કે નીતિશકુમારનો બળાત્કારીઓ સાથે શું સંબંધ છે ? કેમ તેઓ સીબીઆઈ તપાસથી ભાગી રહ્યા છે. કેમ ગભરાયેલા છે ? કોની બીડ છે ? નોંધનીય છે કે, આ મુદ્દે પોલીસે સુધાર ગૃહના સંચાલક બ્રૃજેશ ઠાકુર સહિત ૧૬ લોકોની ધરપકડ કરી છે. તેમજ ૪૪માંથી ર૧ બાળકીઓ પર બળાત્કાર ગુજારાયો હોવાની પુષ્ટિ થઈ છે. એક બાળકીની હત્યાના અહેવાલો પણ સામે આવ્યા છે.