(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
બિહારમાં રાષ્ટ્રીય જનતાદળ (આરજેડી)ના ચીફ લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને બિહારના પૂર્વ ડે.સીએમ તેજસ્વી યાદવે મુઝફ્ફરપુર આશ્રય ગૃહ કેસ અંગે સીએમ નીતિશકુમાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું છે કે, નીતિશકુમારે નૈતિક આધારે રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે તે રાજ્ય ચલાવવામાં અસમર્થ છે. સીએમ આપણી દીકરીઓના ન્યાય માટે નથી લડી રહ્યા. તેનાથી એ સાબિત થાય છે કે તેઓ સૌથી ડરપોક મુખ્યમંત્રી છે. તેમણે રાજ્ય ગૃહ મંત્રાલયમાંથી પણ રાજીનામું આપી દેવું જોઈએ. મધુબની આશ્રય ગૃહમાંથી જે બાળકી ગાયબ થઈ હતી તેની કોઈ જાણકારી નથી. સીએમ ઘણા મંત્રીઓ અને અધિકારીઓને બચાવવા ઈચ્છે છે. હું સીએમને તે બાળકી ક્યાં છે તે શોધવા માટે એક અઠવાડિયાનો સમય આપું છું. ત્યારબાદ અમે મધુબનીમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન કરીશું. તેજસ્વી યાદવે મીડિયા દ્વારા સીએમ નીતિશકુમારને ર૦ પ્રશ્નો પૂછયા. તેજસ્વી યાદવે કહ્યું કે બાળકીઓના ન્યાય અને સુરક્ષા અંગે હું આ પ્રશ્ન પૂછી રહ્યો છું જેને આખો દેશ જાણવા ઈચ્છે છે. જો કે, આવું પહેલીવાર બન્યું નથી કે જ્યારે તેજસ્વી યાદવે નીતિશકુમાર પર આકરા પ્રહાર કર્યા હોય. અગાઉ પ ઓગસ્ટના રોજ આરજેડી દ્વારા જંતર-મંતરમાં કરવામાં આવેલા પ્રદર્શન દરમિયાન બિહાર વિધાનસભામાં વિપક્ષી નેતાએ નીતિશકુમાર દ્વારા સંચાલિત સરકાર પર ઘણા શંકાસ્પદ અહેવાલોની અવગણના કરવાનો પણ આરોપ મૂકયો હતો.