(એજન્સી) લખનઉ, તા.૧૪
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પક્ષ (બસપા)ના ગઠબંધન અંગે બસપાના સુપ્રીમો માયાવતીને અભિનંદન આપવા માટે રાજદના નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે માયાવતીના નિવાસસ્થાને તેમની સાથે મુલાકાત કરી હતી. જોકે, માયાવતી સાથે તેજસ્વીની મુલાકાતથી યુપીમાં સપા-બસપાના ગઠબંધનની જેમ બિહારમાં પણ રાજદના બસપા સાથે ગઠબંધનની અટકળોએ વેગ પકડ્યો છે. માયાવતી સાથે મુલાકાત કર્યા બાદ ઉત્તર પ્રદેશમાં સપા-બસપાના ગઠબંધનની પ્રશંસા કરતા તેજસ્વી યાદવે એવો દાવો કર્યો કે લોકસભાની આગામી ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભાજપનો સફાયો થઇ જશે. ભાજપને યુપીમાં એક પણ સીટ મળશે નહીં, સપા-બસપા ગઠબંધનનો બધી જ સીટ પર વિજય થશે. તેમણે કહ્યું કે લોકોએ માયાવતી અને અખિલેશના પગલાંનું સ્વાગત કર્યું છે. તેજસ્વીએ ભાજપ સામે આકરા પ્રહાર કરતા જણાવ્યું કે આજે દેશમાં એવો માહોલ છે કે તેઓ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ રદ કરીને ‘નાગપુરના કાયદાઓ’ અમલી બનાવવા માગે છે. તેજસ્વીએ કહ્યું કે દેશમાં અઘોષિત ઇમરજન્સી લાદવામાં આવી છે, બંધારણ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે અને અનામત નાબૂદ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આરએસએસના વડા મોહન ભાગવતે જે કહ્યું હતું, એ જ મોદીજી કરી રહ્યા છે. દરમિયાન સપાના પ્રમુખ અખિલેશ યાદવ સાથે મુલાકાત કર્યા બાદ તેજસ્વી યાદવે માત્ર યુપી નહીં પરંતુ સમગ્ર દેશમાં ગયેલા ગઠબંધનના મેસેજ પર ભાર આપતા પત્રકારોને જણાવ્યું કે લોકસભાની ચૂંટણીઓ બાદ કેન્દ્ર ખાતે સત્તામાં કોણ હશે, તે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો નક્કી કરશે. યુપીમાં લોકસભાની ૮૦,બિહારમાં ૪૦ અને ઝારખંડમાં ૧૪ સીટ મળીને કુલ ૧૩૪ સીટ થાય છે. ભાજપ પાસે ૧૩૪માંથી ૧૧૫ સીટ છે પરંતુ આ રાજ્યોમાં ગઠબંધનથી ભાજપને ૧૦૦ બેઠકનું નુકસાન થશે.
માયાવતી સાથે મુલાકાત કર્યા બાદ તેજસ્વીએ જણાવ્યું કે ‘અમે સૌથી નાના છીએ અને બધાના આશીર્વાદ લેવા આવ્યા છીએ. લાલુ યાદવે આ જ કલ્પના કરી હતી કે ઉત્તર પ્રદેશમાં પણ મહાગઠબંધન થાય, માયાવતી અને અખિલેશ યાદવ સાથે મળીને ચૂંટણી લડે.’ તેમણે કહ્યું કે તેમના પિતા લાલુ પ્રસાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ઝુક્યા નહીં તેથી તેઓ જેલમાં છે.