(એજન્સી) પટણા, તા.ર૧
શુક્રવારે આર.જે.ડી. નેતા તેજસ્વી યાદવે નીતિશકુમાર સરકાર પર મહિલાઓ વિરૂદ્ધ આચરવામાં આવતા ગુનાઓ અંગે આકરા પ્રહાર કર્યા છે અને આરોપ મૂક્યો છે કે તેઓ મહિલાઓ વિરૂદ્ધ આચરવામાં આવતા ગુનાઓને રોકવામાં નિષ્ફળ રહ્યા છે.
ચોમાસુ સત્રના પહેલાં દિવસે રાજ્ય વિધાનસભાની બહાર તેજસ્વી યાદવે પત્રકારો સાથે વાતચીત કરતા મુઝફ્ફરપુર જિલ્લામાં એક આશ્રય ગૃહમાં ર૯ બાળકીઓ સાથે દુષ્કર્મ બાદ તબીબી પરિક્ષણોના રિપોર્ટમાં પુષ્ટિ કરવાની બાબત અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમાં સડોવાયેલા આરોપીઓની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી કરી. રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે ગૃહ વિભાગ મુખ્યમંત્રી નીતિશકુમારના નેજા હેઠળ આવતું હોવા છતાં આવી ઘટનાઓને રોકી શકાતી નથી.
તેજસ્વીએ કહ્યું કે, તેમનો પક્ષ આવા મુદ્દાઓને સદનની અંદર અને બહાર હંમેશાં ઉઠાવતી રહી છે અને આગળ પણ ઉઠાવતી રહેશે. તેમણે મુઝફ્ફરનગરના આશ્રય ગૃહનું સંચાલન કરનારા લોકો પ્રત્યે નરમ વલણ દાખવવાનો આરોપ મૂક્તા કહ્યું કે, એક સ્વયં સેવક સંગઠનના માલિક ગત વિધાનસભા ચૂંટણીઓમાં તેમની અભીયાનની ટુકડીમાં સામેલ હતા.