(એજન્સી) પટના, તા.૧૭
રાજદ નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે દરભંગમાં દેશદ્રોહનો કેસ દાખલ થયો છે. તેજસ્વી યાદવ પર ભારતીયો અને ભારતીયતાની મજાક ઉડાવાની સાથે-સાથે રાષ્ટ્રદ્રોહની ધારા ૧ર૪(એ),૧ર૦(બી), પ૦૧ (બી) રાષ્ટ્રનું અપમાન ૬૯ (૧૯૭૧) હેઠળ કેસ દાખલ કરાયો છે. જદયુ નેતા ઈકબાલ અંસારીએ અદાલતમાં પરિવાદ પત્ર દાખલ કરતાં બતાવ્યું કે તેજસ્વી યાદવે ૧૩ ઓગસ્ટ-ર૦૧૭માં રાષ્ટ્રગાન વંદે માતરમનું અપમાન કરતી ટ્‌વીટ કરી હતી. જેનાથી દેશ અને દેશવાસીઓને દુઃખ પહોંચ્યું હતું. આ પોસ્ટ સામે ભારી ટીકાઓ થઈ. તેજસ્વી યાદવને માફી માગવા કહેવાયું પરંતુ તેઓ અડગ રહ્યા. એક જવાબદાર વ્યક્તિ દ્વારા રાષ્ટ્રવિરોધી ટ્‌વીટ સાબિત કરે છે કે તેજસ્વી યાદવને રાજકીય સ્વાર્થ સામે રાષ્ટ્રના સન્માનની કે દેશવાસીઓના માનની ચિંતા નથી. તેજસ્વી યાદવે વંદેમાતરમની જગ્યાએ “બંદે મારતે હૈ હમ” ટ્‌વીટ કરતાં તેને યાદવના સમર્થક ઉમાશંકરસિંહ નામના એક વ્યક્તિએ ટ્‌વીટર પર શેર કર્યું હતું ત્યારબાદ તેજસ્વી યાદવે માફી નહીં માગતા જદયુના જિલ્લા અધ્યક્ષ ઈકબાલ અંસારીએ જિલ્લા અદાલતમાં તેજસ્વી યાદવ સામે કેસ દર્જ કરાવ્યો હતો. જેમાં બે વ્યક્તિઓને આરોપી બનાવાયા છે. એક તેજસ્વી યાદવ અને બીજા ઉમાશંકરસિંહનો સમાવેશ થાય છે.