પટણા,તા.૬
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે ગઇકાલે એક કાર્યક્રમ દરમિયાન રાજનીતિમાં પરિવારવાદને લઇ અપ્રત્યક્ષ રીતે રાજદના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ પર નિશાન સાધ્યુ હતું. નીતિશકુમારે કહ્યું હતું કે કેટલાક લોકો છે જે પોતાની કાબેલિયત નહીં પરંતુ પરિવારના જોરે રાજનીતિમાં આગળ આવી રહ્યાં છે.તેજસ્વી યાદવે નીતિશના આ નિવેદન પર એકવાર ફરી પલટવાર કર્યો છે.આ સાથે તેજસ્વીએ નીતિશને સવાલ કર્યો કે તેમણે રાજનીતિમાં કેટલાક યુવાનોને તક આપી છે. બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે નીતિશના નિવેદન બાદ તરત જ ટીપ્પણી કરતા કહ્યું કે નીતિશ ચાચા ૬૦ મિનિટના ભાષણમાં ૪૫ મિનિટ તેજસ્વી પર જ કેન્દ્રીત રાખે છે. ભત્રીજાનું આટલું ધ્યાન રાખવા માટે આભાર. આજે બુધવારે સવારે તેજસ્વીએ એકવાર ફરી નીતિશના નિવેદનને લઇ તેમના પર નિશાન સાધ્યુ હતું. તેજસ્વી યાદવે ટ્‌વીટ કર્યું નીતિશ ચાચા કહે છે કે યુુવા રાજનીતિમાં પરિવારના કારણે છે.તે બતાવે તેમણે કેટલાક યુવાનોને તક આપી.આ ખોટી અને પલટીમાર વાતો તેમણે બંધ કરવું જોઇએ અને હાં,સ્ટેમ્પ પેપર પર લખી દે કે તેમનો પુત્ર રાજનીતિમાં આવશે નહીં નીતિશ પર નિશાન સાધતા તેજસ્વીએ કહ્યું કે આ રાજતંત્ર નથી લોકતંત્ર છે. ટ્‌વીટમાં તેજસ્વીએ લખ્યુ ચાચા સમજો અમને જનતાએ ચુંટીને મોકલ્યા છે આ રાજતંત્ર નહીં લોકતંત્ર છે. એ યાદ રહે કે નીતિશે ઇશારામાં તેજસ્વી પર નિશાન સાધતા કહ્યું હતું કે આજે લોકો પોતાની કાબેલિયતના જોરે નહીં પરિવારના જોરે રાજનીતિમાં આગળ વધી રહ્યું છે અને પદ મળતા જ નાણાં પાછળ ભાગે છે.તેમણે તેજસ્વીના ટિ્‌વટર પર સક્રિય રહેવા પર પણ ટીપ્પણી કરતા કહ્યું હતું કે તેને કાંઇ કરવાનું નથી બસ રોજ કોઇ મુદ્દા પર ટ્‌વીટ કરી દેવાનું છે.