(એજન્સી) પટના, તા.૧૧
દેશના જુદા જુદા રાજ્યોમાં સતત વધી રહેલ મોબ લિંચિંગની ઘટનાઓ વચ્ચે ફરી એકવાર બિહારમાં ટોળાએ ચોરીની શંકામાં એક યુવકની માર મારીને હત્યા નિપજાવી છે. અહેવાલ મુજબ બિહારના સીતામઢીના રીગા પોલીસ સ્ટેશનના રમનગરા વિસ્તારમાં એક યુવકને ચોરીના આરોપસર પકડીને સ્થાનિક લોકોએ માર મારીને અધમૂઓ કરી નાંખ્યો. ઢોરમારથી ઘાયલ યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. મૃતક યુવકની રૂપેશ તરીકે ઓળખ થઈ છે અને તે સીતામઢીના સહિયારા પોલીસ સ્ટેશનના સિંગહરિયા ગામનો વતની હોવાનું જણાવાયું છે. અહેવાલ મુજબ પોલીસે એક શખ્સનું નામ અને દોઢસો અજ્ઞાત લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ઘટનાને લઈને આરજેડી નેતા તેજસ્વી યાદવે નીતિશ સરકાર પર હુમલો કર્યો છે. તેજસ્વીએ ટ્વીટ પર નીતિશને આકરા પ્રશ્ન કરતા પૂછ્યું કે, નીતિશજી બિહારમાં મોબ લિંચિંગની બે ઘટનાઓ બની. સીતામઢીમાં એક યુવકને ટોળાએ જાહેરમાં માર મારીને હત્યા કરી નાંખી અને જમુઈમાં પણ ટોળાએ એક શખ્સને મારપીટ કરી. તેજસ્વીએ લખ્યું કે, કેન્દ્રની મોબ લિંચિંગ સમર્થક સરકારે બિહારમાં આવી ઘટનાઓ યોજવા માટે તમને ઈનામ આપવાનું વચન આપ્યું છે કે શું ? તેજસ્વી યાદવની જૂની ટ્વીટમાં બિહારમાં બનેલ કેટલીક મોબ લિંચિંગની ઘટનાઓ મુદ્દે મુખ્યમંત્રી નીતિશકુમારને નિશાને લીધા હતા. એમણે ટ્વીટ કર્યું કે, મોબ લિંચિંગનું હબ બન્યું બિહાર. બેગૂસરાયમાં ટોળાએ ૩ વ્યક્તિઓને માર મારીને હત્યા કરી. હાજીપુરમાં જમાદાર તો જહાનાબાદમાં એએસપી પર હુમલો. સાસારામમાં મહિલાને નિર્વસ્ત્ર ઘુમાવી. એમણે નીતિશકુમાર પર આક્રોશ ઠાલવતાં લખ્યું કે, જે મુખ્યમંત્રીમાં લોકલાજ બાકી ન હોય એને કોણ કશું કહી શકે ?
બિહારમાં ચોરીની શંકામાં યુવકની માર મારી હત્યા, તેજસ્વીના નીતિશને આકરા સવાલ

Recent Comments