(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૫
તૃણમૂલ કોંગ્રેસે બુધવારે ફરી એક વાર તેના અગાઉના દાવાનો પુનરોચ્ચાર કર્યો છે કે મંગળવારે કોલકાતામાં હિંસા કરવા માટે ભાજપના પ્રમુખ અમિતશાહે પશ્ચિમ બંગાળ બહારથી ગુંડાઓ બોલાવ્યા હતા. બેહાલામાં યોજવામાં આવેલી રેલીમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે ભાજપે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી ગુંડાઓ બોલાવ્યા હતા. દિલ્હીના નિવાસી તેજિંદરપાલ સિંહ બગ્ગાની ધરપકડ મમતા બેનરજીના દાવાઓને સમર્થન આપે છે. ટીએમસીના નેતા ડેરેક ઓબ્રાયને ભાજપ સામે આરોપ મુક્યો હતો કે ભાજપે બહારથી ગુંડા બોલાવીને હિંસા ફેલાવી. તેમણે કહ્યું કે તેજિંદરપાલસિંહ બગ્ગા દિલ્હી ભાજપના પ્રવક્તા છે, તેઓ કોલકાતામાં શું કરી રહ્યા હતા ? હવે ભાજપ એવી ફરિયાદ કરે છે કે તમે બહારના લોકોની શા માટે ધરપકડ કરી, તેજિંદર બગ્ગાની ધરપકડ કરવામાં આવી. શું તે એ વ્યક્તિ છે, જેણે દિલ્હીમાં કોઇને થપ્પડ મારી હતી ? તેમણે એવું પણ કહ્યું કે અમે કોસ્મોપોલિટન સીટી છીએ, કોઇ પણ શહેરામાં આવીને સરઘસ કાઢી શકે છે. દરમિયાન, એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તેજિંદરપાલ સિંહ બગ્ગાની અટકાયત કરવામાં આવ્યા બાદ તેમને છોડી દેવામાં આવ્યા છે. અમિતશાહના રોડ શો ના સંદર્ભમાં કોલકાતામાં બગ્ગાની ધરપકડ કરવામાં આવી હતી.