(એજન્સી) પટના, તા. ૩
રાજદ અધ્યક્ષ લાલુ યાદવના મોટા પુત્ર અને બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજપ્રતાપ યાદવે સ્થાનિક અદાલતમાં અરજી દાખલ કરી પોતાની પત્ની ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડા લેવાની માગણી કરી હતી. સંબંધો બંધબેસતા ન હોવાને કારણે આ છૂટાછેડા માગવામાં આવ્યા છે. બીજી તરફ શનિવારે તેજપ્રતાપ યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, એ સાચું છે કે, મેં છૂટાછેડા માટે અરજી કરી છે. દુઃખદાયક જીવન જીવવાનો કોઇ અર્થ નથી. ઐશ્વર્યા ઉચ્ચ સોસાયટીની છે અને હું એક સામાન્ય વ્યક્તિ છું. હવે તીર કમાનથી નીકળી ગયો છે અને તેના સ્થાન સુધી તો પહોંચશે જ. એ વાત પણ જુઠ્ઠી છે કે, હું ઐશ્વર્યાને બાળપણથી જાણુું છું. તેણે કહ્યું કે, અમે પૂજા-પાઠ અને ધાર્મિક પ્રકારના લોકો છીએ અને તે હાઇ સોસાયટીમાં રહી છે. તેથી કેટલીક વાતોને લઇ અમારો મેળ ખાતો નથી. તે બાદ મને બળજબરીથી મોહરો બનાવાય છે. મારા પરિવારના લોકો પણ મારો સાથ નથી આપતા. મેં મારા મમ્મી અને પાપાને પણ વાત કરી પણ મારી વાત સાંભળવામાં આવી નથી. મેં પહેલા જ કહ્યું હતું કે, હું અત્યારે લગ્ન કરવા માગતો નથી તેમ છતાં મને મોહરો બનાવાયો હતો. જ્યારે કોઇ મેળ નથી ખાતો તો સંબંધો કઇ રીતે આગળ વધશે. ઉલ્લેખનીય છે કે, તેજપ્રતાપના લગ્ન ઐશ્વર્યા સાથે આશરે છ મહિના પહેલા ગત ૧૨મી મેએ થયા હતા. જેલમાં હોવા છતાં લાલુપ્રસાદ યાદવ પોતાના પુત્રના લગ્નમાં સામેલ થવા માટે જામીન પર આવ્યા હતા.