(એજન્સી) પટના, તા.૨૬
આરજેડીના નેતા અને લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ તાજેતરના દિવસોમાં પાર્ટી પર વર્ચસ્વ સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યા છે. પટના ખાતે આરજેડીના પ્રદેશ મુખ્યમથક પર સતત બીજા દિવસે તેજપ્રતાપ યાદવે દરબાર લગાવ્યો હતો. તેજપ્રતાપે કહ્યું છે કે આરજેડીમાં કેટલાક લોકો આરએસએસ જેવી વિચારસરણીવાળા છે. પરંતુ તેમને વ્યક્તિગત રીતે મળ્યા બાદ આવા લોકોના વિચાર પણ બદલાશે. તેમને ખબર નથી કે તેઓ શું કહી રહ્યા છે ? તેજપ્રતાપ યાદવે કહ્યું છે કે તેમના નાના ભાઈ તેજસ્વી યાદવ જો જનતા દરબારમાં આવશે, તો તેમને બેહદ ખુશી થશે. ધારાસભ્ય અને ભૂતપૂર્વ પ્રધાન તેજપ્રતાપ યાદવે કહ્યું હતું કે પાર્ટીની કમાન તેમને સોંપવામાં આવશે, તો તેઓ પાછા હટવાના નથી. પરંતુ તેજપ્રતાપ યાદવે આરજેડીની કમાન સંભાળવાની સંભાવનાને લઈને અન્ય નેતાઓમાં ખળભળાટ સંબંધિત સવાલોનો જવાબ આપ્યો નથી. આરએસએસવાળી વિચારધારાવાળા લોકો આરજેડીમાં હોવાનું જણાવતા તેજપ્રતાપ યાદવે કહ્યું હતું કે ચૂંટણીઓ આવી રહી છે અને કેટલાક લોકો બેકમાં ટિકિટની ચિંતા કરતા બોલવા લાગે છે. તેજપ્રતાપે એમ પણ કહ્યું હતું કે તેઓ તેજસ્વી યાદવને બિહારના આગામી મુખ્યપ્રધાન બનાવવા માટે કામ કરવાને લઈને પ્રતિબદ્ધ છે.
તેમણે કહ્યું છે કે તેમણે જાહેરમાં પહેલા જ પોતાની આના સંદર્ભેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે મહાભારતનો પ્રસંગ પણ ટાંક્યો હતો. તેમણે વારંવાર જણાવ્યું છે કે તેજસ્વી અર્જુન છે અને તેઓ કૃષ્ણની ભૂમિકા નિભાવશે. તેઓ તેજસ્વી યાદવનું માર્ગદર્શન કરશે.