(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૦
આરજેડીના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને ગુરૂવારે કોર્ટે તેમના પુત્ર તેજપ્રતાપના લગ્નમાં સામેલ થવા માટે ત્રણ દિવસના પેરોલ મળ્યા છે. જેલના આઇજીએ આ અંગે માહિતી આપી હતી. જોકે, આઇજીએ એમ પણ જણાવ્યું હતું કે, જ્યારથી જેલમાંથી છૂટકારો મળશે ત્યારથી પેરોલ ગણાશે. રાજદના ધારાસભ્ય અને પૂર્વ સ્વાસ્થ્યમંત્રી તેજપ્રતાપ રાજદના ધારાસભ્ય ચંદ્રિકા રાયની પુત્રી ઐશ્વર્યા રાય સાથે ૧૨મી મેણે પટનામાં લગ્ન ગ્રંથિથી જોડાશે. ૧૮મી એપ્રિલે યોજાયેલી સગાઇમાં લાલુ જેલમાં હોવાને કારણે હાજર રહી શક્યા નહોતા. તેમની ગેરહાજરીને કારણે ગુસ્સે ભરાયેલા તેજપ્રતાપે ટિ્‌વટર પર ભાવુક સંદેશ પોસ્ટ કર્યો હતો જેમાં ‘મિસ યુ પાપા’ લખ્યું હતું. લાલુ પ્રસાદ પટનામાં ૧૦મી મેથી ૧૪મી મે સુધી રહે તેવી સંભાવના છે. મંગળવારે ઝારખંડના જેલ આઇજીને પેરોલ અંગેની નોટિસ મોકલાઇ હતી તેમ આરજેડીના મહાસચિવ અને ધારાસભ્ય ભોલા યાદવે જણાવ્યું હતું. ગયા અઠવાડિયે લાલુ પ્રસાદે પોતાના પુત્રના લગ્નમાં સામેલ થવા માટે પેરોલ માગ્યા હતા જોકે, કોર્ટે વકીલોની હડતાળને કારણે આ અંગેની સુનાવણી ૧૧મી મેએ કરવાનો આદેશ આપ્યો હતો. લાલુ હાલ રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સમાં સારવાર લઇ રહ્યા છે. લાલુને ચારા કૌભાંડના ત્રણ મામલામાંં સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે જોલની સજા સંભળાવી છે. આ પહેલા લાલુને ખરાબ તબીયતને કારણે દિલ્હીની એઇમ્સમાં દાખલ કરાયા હતા જોકે, ડોક્‌ટરોએ તેમને રાંચી પરત મોકલવા માટે ફીટ જાહેર કરતા વિવાદ સર્જાયો હતો કારણ કે લાલુ હજુ પણ એઇમ્સમાં રહેવા માગતા હતા.