(એજન્સી) તા.૩૧
સામાજિક અને માનવ અધિકાર કાર્યકર આનંદ તેલતુંબડેએ જણાવ્યું હતું કે પોલીસ દેશના બુદ્ધિજીવીઓ અને કર્મશીલોને નિશાન બનાવી રહી છે. તેઓ કેટલાક ચુનંદા બુદ્ધિજીવીઓ અને કર્મશીલોને નિશાન બનાવીને લોકોને ચૂપ રહેવા માટે આતંક ફેલાવીને યુએપીએ જેવા આપખુદી અને કઠોર કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે.
મહારાષ્ટ્ર પોલીસે મંગળવારે કોરેગાંવ-ભીમા ગાવમાં થયેલી હિંસાની તપાસ હેઠળ કેટલાય રાજ્યોમાં દરોડાની કાર્યવાહી કરી હતી અને પાંચ મુખ્ય ડાબેરી વિચારકો-કાર્યકરોની ધરપકડ કરી હતી. ગઇ સાલ ૩૧ ડિસે. પૂણેમાં યોજાયેલ અલગાર પરિષદ કાર્યક્રમમાં આ હિંસા થઇ હતી. માઓવાદી સાથે કનેક્શન ધરાવવાના શકમાં કેટલાક ડાબેરી કાર્યકરોની સાથે આનંદ તેલતુંબડેને ત્યાં પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
વરિષ્ઠ પ્રો.તેલતુંબડેએ જણાવ્યું હતું કે તેમને તેમના ઘર પર દરોડાની કાર્યવાહી અંગે પાછળથી જાણવા મળ્યું હતું. પ્રો.તેલતુંબડેએ જણાવ્યું હતું કે તેમણે મારા અંગે પૂછપરછ કરી અને તેઓ મુખ્ય દરવાજામાંથી એક સુરક્ષાકર્મીને ઘર બતાવવા લઇ ગયા હતા. બીજા સપ્તાહે પણ તેમણે આ જ વાત દોહરાવી હતી અને તમામ સેલ ફોન લઇ ગયા હતા. મારા ઘરે આવતી ટેલિફોન લાઇનો પણ કાપી નાખવામાં આવી હતી. ચાવી લેવા માટે સુરક્ષા ગાર્ડને ધમકી આપી હતી. પ્રો. તેલતુંબડેએ જણાવ્યું હતું કે હું ન્યાયતંત્રને એ વાતની નોંધ લેવા અનુરોધ કરું છું કે મારા જેવા નિર્દોષ વ્યક્તિઓ પર ત્રાસ ગુજારીને મોટા પાયે કનડગત કરવામાં આવી રહી છે. મારા જેવા જે અન્ય લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે તેઓ કોન્ફરન્સમાં પણ ગયા ન હતા. આથી આ બધી બાબતો સાથે અમારા કનેક્શન અંગેનો શક એકાએક કોંગ્રેસને ક્યાંથી આવી ગયો ? સમગ્ર મામલો પોલીસને મળેલા એક પત્ર પર હાથ ધરવામાં આવ્યો હતો કે જેની અધિકૃતતા હજુ પુરવાર થઇ નથી. ઘણા લોકોએ તેની સત્યતા અંગે ગંભીર શંકાઓ વ્યક્ત કરી છે.