અમદાવાદ,તા.૯
અમદાવાદ શહેરમાં ૫૦ જેટલી ગેરકાયદે જ્ઞાન શાળાઓ ચાલી રહી હોવાનો ખુલાસો ડીઈઓ(ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર) તરફથી કરવામાં આવ્યો છે. આ મામલે ડીઈઓ તરફથી એક પરિપત્ર જાહેર કરીને આવી શાળાઓમાં પ્રવેશ ન લેવાનું કહેવામાં આવ્યું છે.
ડીઈઓના પરિપત્ર પ્રમાણે શહેરના સ્લમ વિસ્તારોમાં ૫૦ જેટલી ગેરકાયદે જ્ઞાન શાળાઓ આવેલી છે. પરિપત્રમાં વાલીઓને આવી શાળાઓમાં બાળકોને પ્રવેશ ન અપાવવાનું કહેવામાં આવ્યું છે. આ તમામ શાળાઓ સામે હવે પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ શાળાઓ વર્ષ ૨૦૦૬ના વર્ષથી સ્લમ વિસ્તારોમાં ચાલતી હોવાની વિગતો બહાર આવી છે.
પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જ્ઞાન શાળા એ કોઈ શાળા નથી, તેમજ સરકારે તેને મંજૂરી પણ આપી નથી. પરિપત્રના જણાવ્યા પ્રમાણે તેમને આ અંગેની ફરિયાદો મળી હતી. બાદમાં આ અંગે સંબંધિત તમામ વિભાગને જાણકારી આપવામાં આવી છે.