(એજન્સી)
શાહજહાંપુર, તા.ર૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્રે એક જાહેરસભાને સંબોધતા વિપક્ષો પર આક્રમક પ્રહારો કરતાં કહ્યું કે, વિપક્ષો જેટલો કાદવ ઉછાળે છે તેટલું કમળ વધારે ખીલે છે. તેમણે ખેડૂતોને સંબોધતા ગઈકાલે લોકસભામાં બનેલી ઘટનાઓની સ્પષ્ટતા કરી. ગઈકાલે વિશ્વાસનો મત જીત્યા બાદ મોદીની આ પહેલી રેલી હતી. રાહુલ ગાંધીને નિશાન બનાવી મોદીએ કહ્યું કે, અમે વીજળીથી લોકોના ઘરોમાં અજવાળું લાવીએ છીએ. તેઓ સંસદમાં અમારી સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે છે. ગઈકાલે મેં લોકસભામાં જે કરવાનું હતું તે કર્યું. તમે તેનાથી સંતુષ્ટ છો ? રેલીમાં ઉપસ્થિત લોકોએ ઉત્સાહથી હા ભણી. ગઈકાલે મેં લોકસભામાં કહ્યું કે તમે કારણ બતાવો શા માટે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા છો ? તેઓ કારણ આપી શક્યા નહીં. ત્યારે રાહુલ ગાંધી ગળે પડ્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ૯૦ હજાર કરોડ રૂપિયા જે બીજે જતા રહ્યા હતા તે હવે સાચા લોકો પાસે પહોંચ્યા તેથી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લવાયો. મારી ભ્રષ્ટાચાર અને પરિવારવાદ સામેની લડતથી વિપક્ષો પરેશાન છે. મોદીએ કહ્યું કે, અહંકાર, દંભ અને દમનને આજનો યુવાન સહન કરવા તૈયાર નથી. ભલે તે સાયકલ હોય કે હાથી. સ્વાર્થના પૂરા સ્વાંગને દેશ સમજી ચૂકયો છે. આજે સમય બદલાઈ ગયો છે તે સાથે જ દેશના યુવાનોનો મિજાજ પણ બદલાઈ ગયો છે. વડાપ્રધાને કહ્યું કે અગાઉની સરકારોએ ખેડૂતો માટે મગરના આંસુ વહાવ્યા. વર્ષો જૂની વ્યવસ્થા ચાલુ રાખી. દેશના દરેક ખેડૂતને સન્માન એ જ અમારો ઉદ્દેશ છે. પહેલાં શેરડીના નાણાં સુગર મિલને અપાતા હતા. હવે ખેડૂતોના ખાતામાં જાય છે તેથી બાકી લેણું સમાપ્ત થયું છે. શેરડીમાંથી ઈંધણ પણ બનાવાશે. તે માટે કોઈ નવી ટેકનોલોજીની જરૂર નથી છતાં તે કામ થયું નહીં. યોગી આદિત્યનાથે કહ્યું કે વિકાસની યોજનાઓ પર જાતિ અને ધર્મના ભેદભાવ વગર સૌના વિકાસના સંકલ્પ સાથે કામ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવના રકાસ બાદ હવે ર૦૧૯માં મોદીની આગેવાની હેઠળ ફરીથી ગરીબોના કલ્યાણ કરવાવાળી સરકાર બનશે. મોદી સરકારે ખેડૂતોને શેરડીના બાકી નાણાં પેટે ૩૪ હજાર કરોડ ચૂકવ્યા છે.
તેમને અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનું કારણ પૂછ્યું, તો તેઓ અનિચ્છનીય રીતે ગળે પડ્યા

Recent Comments