શ્રીનગર, તા. ૧૩
દિલ્હીના લાલ કિલ્લા પર હુમલા બદલ ઘરપકડ કરાયેલા બિલાલ અહમદના પરિવારે કહ્યું છે કે, તેની ધરપકડ ગેરકાયદે છે અને સાથે જ તેમણે પોલીસ પર જુઠ્ઠો કેસ દાખલ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેના પરિવારે કહ્યું કે, તે ક્યારેય ભાગેડુ નહોતો પરતુ તેણે તો દિલ્હીમાં પોતાનંું મકાન ખરીદ્યું છે. બિલાલના પરિવાર અને સંબંધીઓએ સામાન્ય નાગરિકને આતંકવાદી ગણાવવા બદલ મીડિયા પર આક્રોશ ઠાલવતા તેની વહેલામાં વહેલી તકે મુક્તિની માગ કરી હતી. તેના સંબંધીઓ અનુસાર બિલાલ અહમદ પરણેલો છે અને બે યુવાન દિકરીઓનો પિતા છે. શુક્રવારે પરિવારજનો અને સંબંધીઓએ દિલ્હીના પ્રેસ કોલોની ખાતે દેખાવો પણ કર્યા હતા.
પરિવારજનોએ જણાવ્યું કે, તેણે નવી દિલ્હીના સદર બજારમાં પોતાનું મકાન ખરીદ્યું છે અને મેડીકલ ચેક અપ માટે રાષ્ટ્રીય રાજધાની ગયો હતો. બિલાલના માતા ફાતિમા બેગમે કહ્યું કે, મારો પુત્ર સ્વાસ્થ્ય તકલીફને કારણે દિલ્હી ગયો હતો. દિલ્હીમાં રહેતા તેના ભાઇએ તેને આવવા કહ્યું અને તેની એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. જો તે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સડોવાયેલો હોય તો પોતાના અસલી નાનથી દિલ્હી ગયો ન હોત. હવે મારા પુત્રને નકલી કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. એરપોર્ટ પર તેની ધરપકડ કરાઇ ત્યારે તેની પાસે ઘરનું સામાન અને ખાણીપીણીની ચીજો હતી. મારો પુત્ર ૨૬મી જાન્યુઆરીએ હુમલાની યોજના બનાવી રહ્યો હોવાનો પોલીસનો દાવો ખોટો અને બનાવટી છે. તેની ધરપકડ બાદ પોલીસે એવું કહ્યું હતું કે, તેને વહેલી તકે છોડી મુકાશે અને અમને તેની ધરપકડ વિશે કોઇને ન કહેવા કહ્યું હતું. પરંતુ બાદમાં તેમણે આવા સમાચાર પ્રસારિત કર્યા હતા. બિલાલના પિતરાઇ ભાઇએ પુછ્યું કે, જો પોલીસ તેને શોધી જ રહી હતી તો તે શા માટે પોતાના નામના દસ્તાવેજો પર દિલ્હી આવ્યો. કાશ્મીરના સીઆરપીએફ કેમ્પ પાસે તેનું મકાન છે. અહીં આઠ લાખ સૈન્ય કર્મીઓ છે. જો તે ભાગેડુ જ હતો તો આ સૈનિકોએ તેને કેમ ઝડપી ન લીધો. અહમદની ધરપકડને ખોટી રીતે ચગાવવા બદલ મીડિયા પર આરોપ મુકતા તેણે કહ્યું કે, તેઓ કાશ્મીરના લોકોને બંદૂક ઉઠાવવા મજબૂર કરી રહ્યા છે જે રીતે તેમણે પીએચડી વિદ્યાર્થી મન્નાન વાની અને બુરહાન વાનીને મજબૂર કર્યા હતા.