(એજન્સી) શ્રીનગર, તા. ૨૪
જમ્મુ-કાશ્મીરના ત્રાલના જંગલ વિસ્તારમાં મંગળવારે સામસામે ગોળીબારમાં જૈશે મોહંમદ સંગઠનના ચાર આતંકવાદી ઠાર થયા હતા જ્યારે બે જવાન પણ આ ગોળીબારની રમઝટમાં શહીદ થયા હતા. શહીદ થનારાઓમાં ભારતીય સેનાના એક જવાન તથા રાજ્ય પોલીસના એક પોલીસ કર્મી શહીદ થયા હતા. ત્રાલના જંગલોમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળતા રાષ્ટ્રીય રાઇફલ્સ, રાજ્ય પોલીસ અને સીઆરપીએફના જવાનો દ્વારા ત્રાલના જંગલ વિસ્તારોમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. શહીદ થનારા સૈનિકની ઓળખ અજય કુમાર તરીકે થઇ છે. સિપોય અજય કુમારને ગોળીબાર દરમિયાન ઇજાઓ થઇ હતી જે બાદ તેમને શ્રીનગરના બદામી બાગ કેન્ટોનમેન્ટમાં આવેલી આર્મીની ૯૨ બેઝ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગંભીર ઇજાઓને કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ લતીફ ગુજરીનું ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ નીપજ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે જેમાંથી બે આતંકવાદીઓ વિદેશી હોવાનું માનવામાં આવી રહ્યું છે.