શ્રેણી જીતવા માટે દક્ષિણ આફ્રિકા ઉત્સુક છે
કેપટાઉન,તા.૧
શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતીકાલથી ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ ઐતિહાસિક કેપટાઉન ખાતે શરૂ થઈ રહી છે. દક્ષિણ આફ્રિકા ઘરઆંગણે શ્રીલંકા સામે હોટફેવરીટ રહી છે. બીજી બાજુ શ્રીલંકાનો દેખાવ હંમેશા આફ્રિકામાં ખૂબ જ કંગાળ રહ્યો છે. સંતોષજનક દેખાવ કરવામાં પણ શ્રીલંકન ટીમ સફળ રહી નથી. આ દેશમાં શ્રીલંકાએ છેલ્લી ૧૧ ટેસ્ટ મેચો પૈકી નવમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ નવ ટેસ્ટ મેચોમાં હાર પૈકી અડધાથી વધુ હાર ઈનીંગ્સના અંતરથી થઈ છે. જ્યારે એક ટેસ્ટમાં હાર ૧૦ વિકેટથી થઈ હતી. માત્ર ત્રણ શ્રીલંકન બેટ્સમેનો જ સદી ફટકારી શક્યા છે. જેમાં સમરવીરાએ બે વખત સદી ફટકારી છે. જ્યારે આઈલેન્ડના શ્રેષ્ઠ ઝડપી બોલર તરીકે ચામીંડાવાસ રહ્યો છે. આઠ ઈનીંગ્સમાં ચામીંડાવાસ ૧૧ વિકેટ ઝડપી શક્યો છે. જ્યારે મુરલીધરન શ્રીલંકા તરફથી આફ્રિકા સામે શ્રેષ્ઠ રેકોર્ડ ધરાવે છે. તે ૨૬.૦૨ રનની સરેરાશ સાથે ૩૫ વિકેટ ઝડપી ચુક્યો છે. હાલમાં શ્રીલંકન ટીમ એક નવી ટીમ તરીકે ઉભરી રહી છે. આવી સ્થિતિમાં તેની સામે પણ પડકાર રહેલા છે. બીજી બાજુ આફ્રિકન ટીમ ઘરઆંગણે ખૂબ જ ખતરનાક મૂડમાં દેખાઈ રહી છે. આફ્રિકા ટેસ્ટ શ્રેણીમાં ૧-૦ની લીડ ધરાવે છે. પોર્ટ એલિઝાબેથ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં આફ્રિકાએ શ્રીલંકા પર ૨૦૬ રને ભવ્ય જીત મેળવી હતી. આ ટેસ્ટમાં આફ્રિકા તરફથી ઓપનિગં બેટ્સમેન કુકે સદી ફટકારી હતી. બીજી ટેસ્ટ જીતીને આફ્રિકા શ્રેણી ૨-૦થી જીતી લેવા માટે સજ્જ છે. જ્યારે મેથ્યુસના નેતૃત્વમાં પ્રવાસી ટીમ શ્રેણીને જીવંત રાખવા તૈયાર છે. રબાડાને ૫૦ વિકેટ પુરી કરવામાં છ વિકેટની જરૂર છે. જ્યારે વર્ષ ૨૦૧૬માં હેરાત ૫૪ ટેસ્ટ વિકેટ ઝડપી ચુક્યો છે. ભારતના અશ્વિન બાદ સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે હેરાત રહ્યો છે. આ ટેસ્ટ મેચ આફ્રિકા માટે વધારે મહત્વપૂર્ણ દેખાઈ રહી છે. ઈજાગ્રસ્ત ડિવીલીયર્સની ટીમમાં હજુ વાપસી થઈ નથી. ઝડપી આક્રમણની જવાબદારી ફરી એકવાર રબાડા સંભાળે તેવી વકી છે. પ્લેસીસના નેતૃત્વમાં આફ્રિકન ટીમ ઘરઆંગણે પોતાના દેખાવને વધુ મજબૂત કરવા માટે તૈયાર છે. શ્રીલંકન ટીમમાં યુવા ખેલાડીઓ વધારે દેખાઈ રહ્યા છે. બન્ને ટીમો નીચે મુજબ છે.
આફ્રિકા : એલગર, કુક, અમલા, ડ્યુમીની, પ્લેસીસ (કેપ્ટન), બાઉમા, ડીકોક, ફીલાન્ડર, એબોર્ટ, મહારાજ, રબાડા.
શ્રીલંકા : સીલ્વા, કરૂણારત્ને, કુશાલ પરેરા, કુશાલ મેન્ડીસ, મેથ્યુસ (કેપ્ટન), દિનેશ ચાંડીમલ, ધનાંજય ડીસીલ્વા, હેરાત, ચામીરા, લકમલ, પ્રદિપ.
Recent Comments