મીરપુર,તા.૧
અનુભવી બેટ્‌સમેન મુશફિકુર રહીમે ટેસ્ટ ક્રિકેટમાં ૪૦૦૦ રન બનાવનાર બાંગ્લાદેશનો બીજો બેટ્‌સમેન બની ગયો છે. ૩૧ વર્ષીય મુશફિકુરે અહીં શેર એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે આ સિદ્ધિ મેળવી હતી. મુશફિકુરને પોતાના ૪૦૦૦ રન પુરા કરવા માટે આઠ રનની જરૂર હતી અને તેણે ૬૫મી ઓવરમાં લેગ સ્પિનર દેવેન્દ્ર બિશૂના બોલ પર રન લઈને આ સિદ્ધિ મેળવી હતી.
ક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર, મુશફિકુર રહીમ પહેલા તમીમ ઇકબાલ જ એકમાત્ર બેટ્‌સમેન છે, જેણે બાંગ્લાદેશ માટે ટેસ્ટમાં ૪ હજારથી વધુ રન બનાવ્યા છે. તમીમે આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં આ સિદ્ધિ મેળવી હતી. વર્ષ ૨૦૦૫માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ઐતિહાસિક લોર્ડસમાં લગભગ ૧૮ વર્ષની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કરનાર મુશફિકુરે પોતાને એક સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેનના રૂપમાં ટીમમાં સ્થાપિત કર્યો છે. તે બાંગ્લાદેશનો પ્રથમ એવો બેટ્‌સમેન છે જેણે ટેસ્ટમાં બે બેવડી સદી ફટકારી છે. મુશફિકુરે પ્રથમ બેવડી સદી ૨૦૧૩માં શ્રીલંકા વિરૂદ્ધ ફટકારી હતી. તે પ્રથમ વિકેટકીપર છે જેણે ટેસ્ટમાં બે બેવડી સદી ફટકારી છે.